કટારિયા ચોકડીએ દિવાળી સુધીમાં બ્રિજનું કામ થશે શરૂ
અન્ડર-ઓવર બ્રિજને કારણે થનારી કપાત સહિતની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આદેશ: ૧૫ દિવસમાં ટેન્ડર પ્રસિદ્ધ કરાશે
ત્રણ લાખ લોકોને થશે ફાયદો: હૉકર્સ સ્ટેન્ડ, બાળકોના રમવા માટેની જગ્યા સહિતની સુવિધા મળશે
કાલાવડ રોડ પર કટારિયા ચોકડી પાસે ૩-લેયર મલ્ટીલેયર ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે સરકારે ગ્રાન્ટ ફાળવ્યા બાદ મહાપાલિકા દ્વારા બ્રિજ માટેની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. મ્યુનિ.કમિશનર દેવાંગ દેસાઈએ જ્યાં બ્રિજ બનવાનો છે તે સ્થળની વિઝિટ કરીને ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી. દરમિયાન બ્રિજ બનાવવાનું કામ દિવાળી સુધીમાં થઈ જવાની અને આગામી ૧૫ દિવસમાં ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવાની તૈયારી ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મ્યુનિ.કમિશનરે જણાવ્યું કે ૪૫ મીટર પહોળા ટીપી કાલાવડ રોડ પર ૨૫ મીટર પહોળો ફ્લાયઓવર (૧૮ મીટર વાહનો, ૭ મીટર રાહદારી પુલ), કાલાવડ રોડ પર ફોર-લેન ૮૫૦ મીટર લાંબો ફ્લાય ઓવર, ફ્લાય ઓવરની કુલ ૮૫૦ મીટર લંબાઈમાં ફરજિયાત (મુખ્ય) સ્પેન આઉટમાં વચ્ચેના ભાગમાં ૧૬૦ મીટર લાંબો આઈકોનિક્સ એકસ્ટ્રા ડોઝ બ્રિજ ભાગ બનવા જઈ રહ્યો છે. આ પ્રકારે બનનારો ગુજરાતનો આ પ્રથમ વાહન કમ પેડેસ્ટ્રિયન ફ્લાય ઓવર બ્રિજ હશે.
આ બ્રિજ પાછળ અંદાજે ૧૫૮ કરોડનો ખર્ચ થવાની શક્યતા છે ત્યારે તે પૂર્ણ થયા બાદ ત્રણ લાખ લોકોને તેનો લાભ મળશે. ફ્લાય ઓવર બ્રિજની બન્ને બાજુ ૭.૫૦ મીટરનો સર્વિસ રોડ, રિંગરોડ-૨ ઉપર બીઆરટીએસ બસની અવર-જવર માટે ૭.૫ મીટર, ગ્રાઉન્ડ કોરિડોર, પેડેસ્ટ્રીયન માટે ફૂટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન સર્વિસ યુટીલિટી ડક્ટ, અન્ડરપાસની શ-આતમાં, ફ્લાય ઓવર અંડર સ્પેસની નીચે જંક્શનની મધ્યમાં સોફ્ટ લેન્ડસ્કેપ, બાળકોના રમવા માટેની જગ્યા, પ્લેટફોર્મ, હોકર્સ સ્ટેન્ડ, બેઠક, શૌચાલય સહિતની વ્યવસ્થા અહીં કરાશે.