ભાજપ ચૂંટણીપંચના ડર વગર આચારસંહિતા ભંગ કરે છે : કોંગ્રેસ
કોંગ્રેસ દ્વારા કરાતી ફરિયાદોમાં પગલાં નહીં લેવામાં આવતા હોવાનો ચૂંટણી અધિકારી સમક્ષ કોંગ્રેસની ફરિયાદ
રાજકોટ : લોકસભા ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મંગળવારે રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનોએ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને રૂબરૂ મળી રજુઆત કરતા જણાવ્યું હતું કે, ભાજપ ચૂંટણીપંચના ડર વગર આચારસંહિતા ભંગ કરી રહ્યું છે અને અનેક ફરિયાદો હોવા છતા ચૂંટણીતંત્ર સમયસર પગલાં નહીં ભરી લોકહિતને નુકશાન પહોંચાડી રહ્યું છે.
રાજકોટ શેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની આગેવાની હેઠળ મંગળવારે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ રજુઆત કરતા જણાવ્યું હતું કે, અમારી ખુબ અગત્યની અનેક ફરિયાદો હોવા છતા આપ તેમાં સમયસર પગલાં નહી લઈ લોકહિતને નુકશાન પહોંચાડી રહ્યા છે, તેવી અમારી લાગણી અસ્થાને નથી અને ભાજપ પક્ષ, તેમજ ઉમેદવાર તથા અન્ય લોકો આચારસંહિતાનો ચૂંટણી પંચનાં ડર વગર કામ કરી રહ્યો હોય તેવું પ્રતિસાદ થતું હોય તેને રોકશો તેવી કોંગ્રેસ પક્ષ વતી આપની પાસે અપેક્ષા રાખીએ છીએ.
વધુમાં કોંગ્રેસે રજુઆત કરતા જણાવ્યું હતું કે, લોકશાહી દેશનાં અધિકારીની રૂએ ચૂંટણી અધિકારીની અગત્યની ફરજ બજાવી રહ્યા છે, આપની તટસ્થતા દેશના સારા ભવિષ્ય નિર્માણમાં અગત્યનું પરિબળ હોય, આપને તટસ્થ રહેવું આજની સ્થિતિમાં ખુબ મુશ્કેલ છે, પરંતુ આપ કમ સે કમ લોકશાહીનાં હિત માટે અંગત દબાણવશ થયા વગર આપની ફરજ બજાવશો તેવી અપેક્ષા સાથે આચાર સંહિતા ભંગની ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવા માંગ કરી હતી.કોંગ્રેસની રજુઆત સમયે ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જસવંતસિંહ ભટ્ટી, ગાયત્રીબા વાઘેલા, વશરામ સાગઠીયા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.