કોંગ્રેસનો ‘વારો’ કાઢતાં કાઢતાં ભાજપે બજેટના ગાયા ‘ગુણગાન’
વિપક્ષે જયશ્રી રામ' કહીને બજેટમાં
ભૂલ’ કાઢવાનું શરૂ કર્યું’ને શાસકો હસી પડ્યા !
બે મહિલા નગરસેવકો આંકડાની માયાજાળમાં ગુંચવાયા સાથે સાથે ચેરમેનના નામમાં પણ વાટ્યો ભાંગરો !
અમુકને વખાણ' કરવા ઉભું ન્હોતું થવું છતાં
ધરાર’ બોલવા ઉભા કર્યાનો પણ ગણગણાટ: સ્ટે.ચેરમેન
ઠાકરે કહ્યું, કોંગ્રેસના નગરસેવકો અંદરોઅંદર ઝઘડે છે, જવાબમાં સોરાણીએ કહ્યું, અમારામાં ન પડો !

મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટને મંજૂર કરવામાં આવ્યું હતું જેને જનરલ બોર્ડમાં પ્રસ્તુત કરી તેના ગુણગાન' ગાવામાં આવ્યા હતા. જો કે આ કાર્યવાહી દરમિયાન કોંગ્રેસનો
વારો’ કાઢવાની એક પણ તક ભાજપે જતી કરી ન્હોતી. બીજી બાજુ વિપક્ષે પણ જયશ્રી રામ' કહીને બજેટમાં
ભૂલ’ કાઢવાનું શરૂ કરતાં જ શાસકો હસી પડ્યા હતા. એકંદરે શાસકોએ બજેટ થકી રાજકોટમાં વિકાસલક્ષી શું મોથ' મારવાના છે તેનો ચિતાર રજૂ કરીને બોર્ડની એક કલાકની કાર્યવાહી આટોપી લીધી હતી. જનરલ બોર્ડની કાર્યવાહી શરૂ થતાં જ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે બજેટની
વાહવાહી’ શરૂ કરી હતી. પોતાના ભાષણમાં તેમણે મહાપાલિકા દ્વારા આગામી સમયમાં કેવા કેવા પ્રકારની યોજના સાકાર કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી આપી હતી. જો કે સ્પીચમાં તેમણે કોંગ્રેસને આડેહાથ લેતાં કહ્યું હતું કે મહાપાલિકાના ૫૦ વર્ષના શાસનમાં જનતાએ ૪૫ વર્ષ ભાજપને જ આપ્યા છે જે પક્ષ પર પ્રજાના વિશ્વાસનું ઉત્તમ ઉદાહરણ છે. કોંગ્રેસ પર આકરો પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસની નાવ (હોડી) ડૂબી ગઈ છે. પક્ષ પાસે હવે કોઈ ચહેરો જ બચ્યો નથી અને તેની પાસે વિકાસની કોઈ વાત પણ રહી નથી. પ્રજાએ કોંગ્રેસને તેનું સ્થાન બતાવી દીધું છે. આ સહિતના પ્રહારો કર્યા બાદ તેમણે ભાષણ બંધ કર્યું હતું.

જો કે ત્યારબાદ ઉભા થયેલા વોર્ડ નં.૧૮ના મહિલા નગરસેવિકા ભારતીબેન પરસાણાએ સ્પીચ શરૂ કરતાં જ ભાંગરો વાટવાનું શરૂ કરી દીધું હતું. તેમણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરને જયમીન ઠક્કર' કહીને સંબોધ્યા હતા. આવી ભૂલ એક નહીં બલ્કે ત્રણેક વખત કરી હતી. આ પછી વોર્ડ નં.૧૭ના કોર્પોરેટર કીર્તિબા રાણા બોલવા ઉભા થયા હતા અને તેઓ પણ નામ અને આંકડાની માયાજાળમાં ગુંચવાઈ જતાં ચર્ચા ચાલી પડી હતી. આટલું ઓછું હોય તેવી રીતે અમુક નગરસેવકો બોલવા
ઉભા’ થવા માંગતા ન્હોતા પરંતુ તેમને `ધરાર’ ઉભા કરવામાં આવતાં ૨૦૨૪-૨૫ના બજેટને બદલે ૨૦૨૩-૨૪નું બજેટ ખૂબ જ સારું હોવાનું કહી દીધું હતું !

મતદાન પર લીધા વગર જ બજેટ સર્વાનુમત્તે મંજૂર…!
નગરસેવકોના ભાષણ પૂરા થયા બાદ બજેટને મતદાન પર લેવામાં આવતું હોય છે પરંતુ આ વખતના જનરલ બોર્ડમાં એવી પ્રક્રિયા કર્યા વગર જ બજેટને સર્વાનુમત્તે મંજૂર કરી દેવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવ્યું હતું સાથે સાથે વિપક્ષે પણ બજેટમાં ખામી કાઢી પરંતુ વિરોધ કરવાનું ટાળતાં એજન્ડામાં રહેલી તમામ દરખાસ્તો મંજૂર થઈ જવા પામી હતી.
અમે પ્રજા વચ્ચે રહેશું, જાહેર કરાયેલી તમામ યોજના પૂરી થશે: જયમીન ઠાકર
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે બજેટલક્ષી સ્પીચમાં કહ્યું કે ભાજપના દરેક નગરસેવક પ્રજાની વચ્ચે રહી તેમના કામો પૂર્ણ કરવા માટે તત્પર રહેશે સાથે સાથે બજેટમાં જાહેર કરાયેલી તમામ યોજનાઓ પૂરી કરવાની તેમણે `ગેરંટી’ પણ આપી હતી.