ભક્તિનગર સર્કલ, ગાયત્રીનગર, ૮૦ ફુટ રોડ…જ્યાં જુઓ ત્યાં દબાણ !
જલારામ ચોકમાં ફૂટપાથ ઉપર સ્ટેચ્યુ, બોર્ડની સાથે જ વાહનોના ખડકલા: મનપાની જાંબાઝ' ટીમ અહીં પહોંચશે ?
૮૦ ફૂટ રોડ ઉપર તો ફૂટપાથ જ ગાયબ કેમ કે દુકાનદારોએ રસ્તા સુધી દુકાન ખેંચી લીધી છે !
ગાયત્રીનગરની હાલત તો જુઓ, દુકાન અડોઅડ વાહનોની ગોઠવણ: અહીંના લોકોની એક જ માંગણી...દબાણો પર તૂટી પડો
વોઈસ ઓફ ડે’ની ફૂટપાથ-રસ્તા પરના દબાણોની ઝુંબેશ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ લોકોનો અદ્ભુત પ્રતિસાદ સાંપડી રહ્યો છે સાથે સાથે તંત્ર પણ આ ઝુંબેશને બરાબરની દાદ' આપતું હોય તેમ સળંગ ત્રણ દિવસથી દબાણો દૂર કરવા માટે ધોંસ બોલાવી રહ્યું છે. જો કે ફૂટપાથ-રસ્તા ક્લિન કરવા એ મનપા અને પોલીસ માટે ધારીએ એટલું સહેલું ન હોવાથી આ ઝુંબેશ લાં...બો સમય સુધી ચલાવવી જરૂરી બની જાય છે.
આવા જ દબાણગ્રસ્ત વિસ્તારોમાં ભક્તિનગર સર્કલ, ગાયત્રીનગર અને ૮૦ ફૂટ રોડ સામેલ છે જ્યાં નજર કરો ત્યાં તમને ફૂટપાથ તેમજ રસ્તા ઉપર દબાણ સિવાય કશું મળી જાય તો બહુ કહેવાશે ! ભક્તિનગર સર્કલ પાસે આવેલા જલારામ ચોકની વાત કરવામાં આવે તો અહીં રસ્તાઓ ઉપર વાહનોના ખડકલા આખો દિવસ જોવા મળે છે સાથે સાથે અહીં ફૂટપાથ તો બનાવેલી છે પરંતુ તેના ઉપર દુકાનદારાો દ્વારા દબાણ કરી લેવામાં આવ્યું છે.
કદાચ ધંધાર્થીઓને ખ્યાલ નહીં હોય કે ફૂટપાથ એ લોકોના ચાલવા માટે છે ! એટલા માટે જ ધંધાર્થીઓ દ્વારા ફૂટપાથ ઉપર પુતળા, બોર્ડ ગોઠવીને પોતાનો જ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. શું મહાપાલિકાની
જાંબાઝ’ ટીમ અહીં ક્યારેય રાઉન્ડ' લેશે ખરી તેવો યક્ષપ્રશ્ન પણ અહીંના લોકો ઉઠાવી રહ્યા છે. આ જ રીતે ૮૦ ફૂટ રોડની વાત કરવામાં આવે તો અહીં ફૂટપાથ જ ગાયબ થઈ જવા પામી છે કેમ કે મહત્તમ દુકાનદારોએ પોતાની દુકાનનું મોઢું રસ્તા સુધી ખેંચી લીધું હોવાથી અહીં ચાલવા માટે કોઈ જગ્યા જ બચી નથી. આ બાબત ટાઉન પ્લાનિંગ શાખા બરાબરની જાણે છે પરંતુ ક્યારેય અહીં કાર્યવાહી કરવામાં આવી નથી. હવે કદાચ ટીપી શાખાને અહીંના દુકાનદારો પ્રત્યે કદાચ વધારે
પ્રેમ’ ઉભરાઈ આવ્યો હોય તેવું પણ બની શકે છે !
ગાયત્રીનગરમાં પણ સ્થિતિ દિવસેને દિવસે ખરાબ થઈ રહી છે. અહીંની ફૂટપાથ ઉપર પણ દુકાનદારોએ કબજો જમાવીને જે સામાન દુકાનમાં રાખવો જોઈએ તે બધો જ દુકાન બહાર અથવા તો ફૂટપાથ ઉપર ગોઠવી દીધો છે. આશ્ચર્યની વાત એ છે કે મહાપાલિકા દ્વારા અહીં વોકિંગ એરિયા એવું બોર્ડ તો લગાવી દેવાયું છે પરંતુ વોકિંગ મતલબ કે ચાલવા માટે જગ્યા બચી હોય તો લોકો અહીં ચાલી શકે ને ? આ પ્રકારની સ્થિતિ જોયા બાદ પીડાઈ રહેલા લોકો એમ જ કહી રહ્યા છે કે આ પ્રકારના દબાણો ઉપર તૂટી પડવા સિવાય બીજી કોઈ કાર્યવાહી થવી જ ન જોઈએ…!