ભાડલા પેટ્રોલપંપના માલિક પુત્રની મધરાત્રે ડી.એચ.કોલેજ પાસે ધમાલ
યુવતીને મેસેજ કરવા બાબતે ભેગા થયા’ને મામલો બિચક્યો: વાત વણસે તે પહેલાં જ એસીપી ક્રાઈમ સહિતના દોડી ગયા: ચારની અટકાયત
રાજકોટમાં મારામારી, ધમાલ સહિતના બનાવો રોજિંદા બની ગયા હોવાથી લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બની ગયા છે. પોલીસનું જાણે કે અસ્તિત્વ જ ન હોય તેવી રીતે લુખ્ખાઓ ગમે ત્યાં હથિયાર કાઢીને હુમલા કરી દેતાં હોવાથી શાંતિપ્રિય શહેરીજનોની હાલત ખરાબ થઈ જવા પામી છે. આવા જ બનાવમાં વધુ એકનો ઉમેરો થયો છે. લોકોની અવર-જવરથી ધમધમતા રહેતાં ડી.એચ.કોલેજ રોડ ઉપર મધરાત્રે યુવતીને મેસેજ કરવા જેવી બાબતે મારામારી થતાં સ્હેજમાં રહી ગઈ હતી.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે શહેરના ભાડલા પેટ્રોલપંપના માલિક કાવ્ય કેતનભાઈ ભાડલા કે જે મારવાડી કોલેજમાં અભ્યાસ કરે છે તે રૂદ્ર રોહિતભાઈ ઉંધાડની મહિલા મિત્રને મેસેજ કરતો હોય મામલો માથાકૂટ સુધી પહોંચ્યો હતો. છેલ્લા એકાદ મહિનાથી રૂદ્ર અને કાવ્ય વચ્ચે આ બાબતે મગજમારી ચાલી રહી હતી. જો કે રૂદ્ર અમદાવાદ હોવાથી કાવ્ય સાથે મુલાકાત થઈ રહી ન્હોતી. દરમિયાન રૂદ્ર કે જે એસ્ટ્રોન ચોક પાસે સરદાર સોસાયટીમાં રહે છે તે રાજકોટ આવી જતાં તેણે કાવ્યને ડી.એચ.કોલેજ પાસે મળવા માટે બોલાવ્યો હતો.
આ વેળાએ રૂદ્ર, તેનો મીત્ર જોનસન રમેશભાઈ સોજીત્રા (રહે.સનાતન પાર્ક) અને નીલ ભરતભાઈ હાપલિયા (રહે.સનાતન પાર્ક) પણ કાવ્યને મળવા આવ્યા હતા. ચારેય લોકો મળ્યા ત્યારે જોરશોરથી બૂમબરાડા પાડી રહ્યા હતા અને એકબીજાને જોઈ લેવાની ધમકી આપી રહ્યા હતા જેથી ગમે ત્યારે વાત મારામારી સુધી પહોંચે તેમ હતી પરંતુ નાઈટ ડ્યુટીમાં રહેલા એસીપી ક્રાઈમ બી.બી.બસિયા સહિતના અધિકારીઓ તેમજ સ્ટાફ સમયસર ત્યાં પહોંચી જતાં વાત વણસતા અટકી હતી. આ પછી એ-ડિવિઝન પોલીસે ચારેયની અટકાયત કરી પગલાં લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.