રાજકોટમાં ટ્રાફિક સમસ્યા માટે પોલીસની ખાડે ગયેલી ‘કામગીરી’ જ જવાબદાર
લોકો દરરોજ સમસ્યાથી પીસાઈ રહ્યા છે છતાં કોઈ આગળ આવતું નથી: મનપા-પોલીસ વચ્ચે બેઠકો તો થાય છે પણ અમલ ક્યારેય નથી થતો
જન જાગૃતિ અભિયાન મંચે કાન આમળ્યો
રાજકોટમાં ક્યારેય ન ઉકેલાઈ શકે તેવી કોઈ સમસ્યા હોય તો તે ટ્રાફિકની છે. અનેક અધિકારીઓ બદલાયા પરંતુ સમસ્યા તો ઠેરની ઠેર જ રહેવા પામી છે. આમ તો આ માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે પરંતુ સૌથી મોટું જો કોઈ કારણ હોય તો તે પોલીસની ખાડે ગયેલી
કામગીરી’ જ હોવાનું જન જાગૃતિ અભિયાન મંચે રોષભેર જણાવ્યું છે.
મંચના તખુભા રાઠોડે જણાવ્યું કે સમસ્યા અતિ વિકટ અને ત્રાસજનક બનવા પાછળ ટ્રાફિક પોલીસની નબળી અને બિનજવાબદાર કામગીરી જવાબદાર છે. શહેરના વિવિધ ટ્રાફિક પોઈન્ટ ઉપર ટ્રાફિક શાખાના પોલીસ તેમજ ટ્રાફિક બ્રિગેડના બિનઅનુભવી, બિનજવાબદાર સ્ટાફને ઉપર સોંપવામાં આવી છે. આ તમામ પોઈન્ટથી દૂર ક્યાંક આરામથી બેસી જાય છે અને ફોનમાં જ મશગૂલ રહે છે. ટ્રાફિક જામ થાય અને હોર્ન વાગતા થાય એટલે જાણે કે આ સ્ટાફ બે-ત્રણ મિનિટ માટે જાણે કે પ્રજા ઉપર ઉપકાર કરતા હોય તેવી રીતે ફરજ બજાવવા માટે આવે છે. જો કે ત્યાં સુધીમાં વાહન ચાલકો પોતાની રીતે જ રસ્તો શોધી લેતા હોય છે !
મંચનું તો એવું પણ કહેવું છે કે મહાપાલિકા અને ટ્રાફિક પોલીસ વચ્ચે ટ્રાફિક સમસ્યાને લઈને વારંવાર બેઠકો મળે છે પરંતુ તેમાં લેવાયેલા નિર્ણયોનું પાલન ક્યારેય થતું નથી જેના કારણે આ મુશ્કેલીનો ઉકેલ આવી રહ્યો જ નથી. શહેરમાંથી સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા નાના-મોટા શહેરોમાં જવા માટે, આવવા માટે અંદાજે ૪૦૦ ખાનગી બસ, મોટી સાઈઝની જીપના સ્ટેન્ડ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર જ છે અને આ તમામ વાહનો મુસાફરો લેવા-ઉતારવા માટે શહેરના તમામ મુખ્ય અને પેટા રસ્તા ઉપર જ રાખતા હોવાથી સમસ્યા વધુ વિકરાળ બની રહી છે.
શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરના અનેક કોમર્શિયલ બિલ્ડિંગે પાર્કિંગ બંધ કરાવી દીધું છે. આ કોમ્પલેક્સ પ્રજાને પાર્કિંગ કરવા દેતા નથી જેથી તેમની સામે પણ કાર્યવાહી થવી જ જોઈએ.