અકસ્માતમાં પુત્ર ગુમાવ્યો અને પતિ પથારીવશ બન્યા છતાં સંઘર્ષ કરી સફળતા મેળવનાર બબીતાબેન
બે ધંધામાં નિષ્ફળ ગયા છતાં હિંમત હાર્યા વિના બબીતાબેન પરિવાર માટે આત્મનિર્ભર બન્યા
સમાજમાં એવી અનેક સ્ત્રીઓ સમાજમાં નિષ્ઠાથી કામ કરી રહી છે જેણે સંઘર્ષમાંથી સફળતાનો ચીલો ચાતરી અને પોતાનું જીવન માત્ર પોતાના માટે સીમિત ના રાખતાં, સમાજને પણ કર્યું ઉત્તમ પ્રદાન કર્યું છે. આવીજ કહાની છે, આણંદનાં બાકરોલ વિનુકાકા માર્ગ પર રહેતા બબીતાબેનની જેમનું જીવન સંઘર્ષોથી ભરેલું છે. પરંતુ હિંમત હાર્યા વિના આજે પોતાના પગ ઉપર ઉભા છે. મહિલાઓની પ્રેરણાદાયી દાસ્તાન બબીતાબેનનાં પતિ નંદલાલ દાદવાણી પહેલા કેળાનો વેપાર કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને શાંતિમય જીવન જીવતા હતા. પરીવારમાં પતિ-પત્ની અને એક પુત્ર સુખી જીવન જીવી રહ્યા હતા. પરંતુ કુદરતની રમત કંઇક જુદી જ હતી. અકસ્માત થતા 25 વર્ષના એકના એક પુત્રને ગુમાવી બેઠા અને સુખી પરીવાર વિખેરાઈ ગયો.
સુખી પરીવારએ અકસ્માતમાં પુત્ર ગુમાવ્યો હતો અને પરિવારને પુત્રની ખોટ વર્તાતી હતી. પિતા અને માતાને પુત્રો ઘેરો શોક લાગ્યો હતો. પરંતુ હિંમત રાખી જીવન જીવતા હતા ત્યારે પુત્રનાં શોક હજુ દુર થયો ન હતો ત્યાંજ બબીતાબેન ઉપર બીજી મુસીબત આવી પડી હતી. બબીતાબેનનાં પતિ નંદલાલભાઈને પેરાલિસીસનો હુમલો આવ્યો હતો. જેના કારણે પથારીવશ થઈ ગયા હતા. એક પછી એક આઘાત બબીતાબેન ઉપર થઇ રહ્યા હતા. પુત્ર ગુમાવ્યાના દુખ સાથે હવે બબીતાબેન ઉપર બીમાર પતિ અને ઘરની જવાબદારી આવી ગઇ. છતાં બબીતાબેને હિંમત રાખીને પોતાના અને પરિવારના ગુજરાન માટે વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું.
શરૂઆતમાં બબીતાબેને પોતાના ભાઈની મદદથી રસ્તા પર હેલ્મેટ વેચવાનું શરૂ કર્યું હતું. તેમાં ઘર ચલાવવું મુશ્કેલ હતું. તેમને પાણીપુરી વેચવાનું શરૂ કર્યું હતું. દરમિયાન લોકડાઉન લાગી જતાં આ વ્યવસાયમાં પણ બબીતાબેન વધારે ટકી શક્યા ન હતા. છતાં પણ હિંમત હાર્યા વિના હેન્ડી ક્રાફટની વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું હતું. હાલ બરોડા, અમદાવાદ અને દિલ્હીથી વસ્તુઓ મંગાવી બબીતાબેન વેચાણ કરી રહ્યા છે. લેડીઝ, પર્સ, બેગ, ઢીંગલી સાઈડ બેગ તેમજ નાના બાળકોના કપડાંનું વેચાણ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. બબીતાબેન સવારના 10 વાગ્યાથી પોતાની કારમાં સામાન ભરી બાકરોલ- વડતાલ રોડ પર વ્યવસાય કરી રહ્યા છે. જેમાં રોજ નાં 500થી હજાર રૂપિયાની કમાણી કરે છે. બબીતાબેને પુત્ર ગુમાવ્યા બાદ ટેસ્ટ ટ્યુબ બેબીની મદદથી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો અને સંતાન પણ પ્રાપ્ત કર્યા છે. જે આજે દશ વર્ષના છે અને સ્કૂલમાં જાય છે.
ગમે તેવી પરિસ્થિતિ સર્જાય પણ હિંમત ન હારવી: બબીતાબેન
પરિસ્થિતિ ગમે તેવી હોય, હિંમત હારવી જોઇએ નહીં, પોઝિટિવિટી સાથે પરિસ્થિતિઓને બદલી શકાય છે સુખ હોય કે દુઃખ, દરેક પરિસ્થિતિમાં વિચાર પોઝિટિવ જાળવી રાખવા જોઇએ. જો વિચારોમાં નકારાત્મકતા હોય તો કોઇ સરળ કામમાં પણ સફળતા મળી શકતી નથી. વિચારો પોઝિટિવ રહે તો મુશ્કેલ સમયને પણ સરળતાથી દૂર કરી શકાય છે. બબીતાબેન જણાવ્યું હતું કે, ગમે તેવી પરિસ્થિતિ સર્જાય પણ હિંમત હારવી ન જોઈએ જાત મહેનત કરીએ તો ગમે તેવી પરિસ્થિતિમાં કાબુ મેળવી શકાય છે.