ઉનાળાના પ્રારંભે જ પાણીનો પોકાર, ખોખડદળના લોકોએ વેદના ઠાલવી
રાજકોટ શહેરના છેવાડાના વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ, અનેક વિસ્તારમાં લોકો ટેન્કરો મારફતે પાણી ખરીદે છે : પાણી સમિતિની બેઠક મુલત્વી
રાજકોટ : સામાન્ય રીતે માર્ચ માસના પ્રારંભમાં જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પાણી સમિતિની બેઠક મળતી હોય છે પરંતુ ગત અઠવાડીએ આ બેઠક મુલત્વી રહેવાની સાથે ઉનાળાનો પ્રારંભ થતા જ રાજકોટના છેવાડાના વિસ્તારોમાં પાણીનો કકળાટ શરૂ થઇ ગયો છે, હાલમાં રાજકોટ તાલુકાના ખોખડદળ ગામના લોકોએ પાણીની સમસ્યા અંગે પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત કરતા સીટી-2 પ્રાંત અધિકારી દ્વારા વાસ્મો અને પાણી પુરવઠા વિભાગને તેડું મોકલ્યું છે.નોંધનીય છે કે રાજકોટના ઘંટેશ્વર અને માધાપર સહિતના વિસ્તારોમાં પણ ખાનગી પાણીના ટેન્કરો દોડતા થયા છે.
રાજકોટ જિલ્લામાં દર વર્ષે શહેરના છેવાડાના નવા વિકસેલા વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાતી હોવાથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માર્ચ માસના પ્રારંભમાં જ પાણી સમિતિની બેઠક બોલાવી પાણીની સમસ્યા ન સર્જાય તે માટે સુચારુ આયોજન કરવામાં આવતું હોય છે પરંતુ ગત અઠવાડીયામાં બોલાવવામાં આવેલી પાણી સમિતિની બેઠક મુલત્વી રહેવાની સાથે જ શહેરના છેવાડાના વિસ્તારોમાંથી પાણીનો પોકાર શરુ થયાનું જાણવા મળે છે.
રાજકોટ સીટી પ્રાંત કચેરી સમક્ષ ખોખડદળ નજીકના વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોએ પાણીની સમસ્યા હોવા અંગે રજુઆત કરતા સીટી પ્રાંત -2 નિશા ચૌધરી દ્વારા વાસ્મો તેમજ પાણી પુરવઠા વિભાગને તેડું મોકલી આ વિસ્તારમાં પાણીની સમસ્યાના નિરાકરણ માટે સમ્પ બનાવવા અથવા નજીકમાંથી પસાર થતી લાઇનમાંથી પાણી આપવા યોગ્ય કરવા જણાવ્યું હતું, ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરમાં સમાવિષ્ટ થયેલા ઘંટેશ્વરના નાગેશ્વર, માધાપરના યાગરાજનગર સહિતના વિસ્તારમાં હજુ પણ પાણીની સમસ્યા જોવા મળી રહી છે ને લોકો ખાનગી ટેન્કર મારફતે પાણી ખરીદવા મજબૂર હોવાનું જાણવા મળે છે.