રાજકોટમાં મક્કમ ચોકમાં થોડા જ અંતર વચ્ચે ત્રણ-ત્રણ સિગ્નલ, છતાં ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર
વાહનચાલકોએ પણ સેન્સ કેળવવી જરૂરી: ડાબી બાજુ વળવા માટેની જગ્યા ખુલ્લી રાખવાને બદલે લાગે છે વાહનોના થપ્પા
રાજકોટમાં વિકાસની હરણફાળ વચ્ચે વકરતી જતી ટ્રાફિક સમસ્યાનું નિરાકણ પણ જરૂરી બન્યું છે. શહેરની વસ્તી વધવાની સાથોસાથ ટ્રાફિકની સમસ્યા પણ દીન-પ્રતિ દીન વધી રહી છે. ગોંડલ રોડ જવા માટે મક્કમ ચોક વિસ્તારમાં સિગ્નલ હોવા છતાં અહી રોજ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળે છે. બીજી તરફ સિગ્નલ પર ડાબી બાજુ જવા માટે જગ્યા ખુલ્લી રાખવામાં આવે છે પરંતુ કેટલાક વાહનચાલકો આ જગ્યા રાખતા અને અન્ય વાહનચાલકો ફસાય છે.

રાજકોટના મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વાહનચાલકોને સતાવી રહી છે. પિક અવર્સમાં સર્જાતાં ટ્રાફિકજામમાં વાહનચાલકોને લાંબા સમય સુધી ફસાવવાનો વારો આવે છે. શહેરના મક્કમ ચોક વિસ્તારમાં પણ વાહનચાલકોની આવી જ હાલત થાય છે. મહત્વનું છે કે આ વિસ્તારમાં થોડા-થોડા અંતરમાં ત્રણ સિગ્નલ આવેલા છે પરંતુ ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર છે. લોધાવડ ચોકથી મક્કમ ચોક અને ત્યાંથી ભક્તિનાગર જતાં વાહનચાલકોને રોજિંદા ટ્રાફિક જામમાં ફસાવવું પડે છે. અહી નોંધનીય છે કે, મક્કમ ચોકથી ભક્તિનાગર જવા માટે ડાબી બાજુ વળવું પડે છે. સિગ્નલ બંધ હોય તો પણ ડાબી બાજુ ખુલ્લી રાખવાની હોય છે. પરંતુ કેટલાક વાહનચાલકો ડાબી બાજુએ પણ વાહનો ઉભા રાખી રસ્તો રોકીને ઉભા રહે છે. જેના કારણે ભક્તિનાગર તરફ જવા વાળા વાહનચાલકોને પણ સિગ્નલ ખૂલે તેની રાહ જોવાઈ પડે છે.

મહત્વનું છે કે, લોધાવડ ચોકથી આગળ મક્કમ ચોક અને પાસપોર્ટ ઓફિસ પાસે અને નાગરિક બેન્ક ચોક એમ ત્રણ જગ્યાએ ટ્રાફિક સિગ્નલ આવેલા છે. જે ત્રણેય સિગ્નલ થોડા-થોડા અંતરમાં જ આવેલા છે. લોધાવડ ચોકથી પાસપોર્ટ ઓફિસ પહેલા ગોંડલ રોડ તરફ જવા માટે વાહનચાલકોને સિગ્નલ પર ઉભુ રહેવું પડે છે, બાદમાં પાસપોર્ટ ઓફિસ પાસે આવેલા સિગ્નલ પર પણ ઉભુ રહેવું પડે છે. જેના કારણે વાહનચાલકો પણ કંટાળી જાય છે. મહત્વનું છે કે ત્રણ ત્રણ સિગ્નલ હોવા છતાં આ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેરની છે.