રેલવે દ્વારા વેકેશન સ્પેશિયલ ટ્રેનની જાહેરાત નહિ થતાં અનેકના આયોજનો વિખાયા
એપ્રિલ મહિનો અડધો પૂર્ણ થઇ ચૂક્યો છતાં રાજકોટ ડિવિઝન માટેની સમર સ્પેશિયલ ટ્રેનની જાહેરાત માટે તંત્ર ઉદાસીન
દિલ્હી સુધીની સ્પેશિયલ ટ્રેન મળે તો કાશ્મીર, ઉત્તરાંચલ, ગોકુળ, મથુરા, હરિદ્વાર, ઋષિકેશ સુધી જવામાં સરળતા
ઉનાળુ વેકેશન પડવાની સાથે જ રાજકોટથી ઊપડતી લાંબા અંતરની અને સાપ્તાહિક ટ્રેનો હાઉસ ફૂલ થઈ ગઈ છે. બીજી તરફ ઉનાળુ વેકેશનમાં ફરવા જવા માટે રાજકોટવાસીઓએ અગાઉથી આયોજનો કરતા હોય છે, પરિવહન બૂકિંગ, હોટલ, સાઇટ સીઇંગ સહિતના આયોજનો વહેલા ગોઠવવા માટે પ્રવાસી જનતા જાણીતી છે. એપ્રિલ મહિનો અડધો પૂર્ણ થઇ ચૂક્યો છે, અને મોટા ભાગની શૈક્ષણિક સંસ્થાઓમાં વેકેશન માટેના ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રાજકોટ ડિવિઝન દ્વારા સમર સ્પેશિયલ ટ્રેનની ઘોષણા હજુસુધી કરવામાં આવી નથી, ખાસ કરીને રાજધાની દિલ્હી માટેની એક પણ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરાઈ નથી. જેના કારણે પ્રવાસી જનતાના આયોજનો વિખેરાઇ રહ્યા છે.
ઉનાળુ વેકેશનમાં ફરવા જવા માટે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પ્રવાસીઓ અગાઉથી આયોજન કરી બુકિંગ કરી લીધા છે. પશ્ચિમ રેલવે દ્વારા સામાન્ય રીતે માર્ચ મહિના દરમિયાન સમર સ્પેશિયલ ટ્રેનની જાહેરાત કરી દેવામાં આવે છે. પરંતુ આ વર્ષે હાલ અડધો એપ્રિલ પસાર થઈ ચૂક્યો છે છતા એકપણ સમર સ્પેશિયલ ટ્રેનની ઘોષણા કરવામાં આવી નથી.ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ રાજકોટથી લાંબા અંતરની ટ્રેનોના પરિવહનમાં લાંબી લાંબી પ્રતિક્ષાયાદીઓ જોવા મળી રહી છે. રાજકોટથી ઉપડતી સાપ્તાહિક અને લાંબા અંતરની તમામ ટ્રેનોમાં સ્લીપર, થર્ડ એસી, સેકન્ડ એસી સહિતની શ્રેણીઓમાં પ્રતિક્ષાયાદી જોવા મળી રહી છે.
સામાન્ય રીતે રાજકોટના પ્રવાસીઓની પસંદગી ઉત્તર ભારત, દક્ષિણ ભારત અને રાજસ્થાન, ગોવા વધુ હોય છે. ઓછા બજેટ ધરાવતા પ્રવાસીઓ રાજસ્થાન પર પસંદગી ઉતારે છે. જ્યારે લાંબા પ્રવાસ માટે કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાંચલ, ગોવા, કેરળ, પુડુચેરી અને હવે ધાર્મિક પ્રવાસનમાં ગોકુળ, મથુરા, વૃંદાવન, હરિદ્વાર, ઋષિકેશ બાદ અયોધ્યાનો ઉમેરો થયો છે.
જ્યાં સુધી ટ્રેન કનેકશન ઉપલબ્ધ હોય ત્યાં સુધી મોટાભાગે મધ્યમવર્ગના લોકો ઉનાળુ વેકેશન પ્રવાસ ટ્રેનથી જ જવા માટે પસંદ કરે છે. તેના માટે અગાઉથી જો આયોજન કરવામાં આવે તો હોટલ સહિતની બાબતોના બૂકિંગ આગોતરા કરાવવા જરૂરી છે. અને આવવા-જવા માટે ટ્રેનોની માર્ચ મહિનામાં સમર સ્પેશિયલ ટ્રેનની જાહેરાત થતી હોય છે અને તેના કારણે પસંદગીના સ્થળો સુધી પહોંચવાના કનેકશન શોધવાની અનુકુળતા રહે છે.આ વર્ષે હજુ સુધી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકોને સુવિધા મળે તેવી એક પણ ટ્રેનની જાહેરાત કરી નથી ખાસ કરીને દિલ્હીની એક પણ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત થઈ નથી. દિલ્હી સુધીની સ્પેશિયલ ટ્રેન મળે તો ત્યાંથી કનેકટીંગ અન્ય ટ્રેનો જેમાં કાશ્મીર, ઉત્તરાંચલ, ગોકુળ, મથુરા, વૃંદાવન, હરિદ્વાર, ઋષિકેશ સુધી આસાનીથી પહોંચી શકાય પણ રેલવે દ્વારા જે સ્પેશિયલ ટ્રેનની જાહેરાત થઈ છે. તેમાં રાજકોટ લાલકુંઆ અને નાહરલગુન છે દિલ્હીની એક પણ સ્પેશિયલ ટ્રેનની જાહેરાત નથી કરાઈ.