જનરલ બોર્ડમાં પસ્તાળ ‘ પડતાં જ દબાણ હટાવ શાખા એ કામગીરી’ દેખાડી !
પાંચ દિ’માં ૧૯ રેંકડી-કેબિનો, ૩૭ જગ્યાએથી પથારા, ૪૨૭ કિલો ફળ-શાકભાજી સહિતનો માલ જપ્ત કરાયાનો દાવો
મહાપાલિકાના જનરલ બોર્ડમાં ખુદ ભાજપના જ નગરસેવકો દબાણ હટાવ શાખા દ્વારા ખાયકી' કરવામાં આવતી હોવાનો સણસણતો આક્ષેપ કરતાં જ સ્ટાફ દોડતો થઈ ગયો છે. બીજી બાજુ ભરી સભામાં આક્ષેપો થતાં દબાણ હટાવ શાખાએકામગીરી’ દેખાડતાં પાંચ દિ’માં રેંકડી-કેબિનો, પથારા સહિતનો નડતરરૂપ સામાન જપ્ત કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
દબાણ હટાવ શાખાએ તા.૧૬થી ૨૦ સુધીના પાંચ દિવસમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો ઉપર દબાણરૂપ એવી ૧૯ રેંકડી-કેબિન કે જે પોસ્ટ ઑફિસ રોડ, રેલનગર, જામનગર રોડ, જંકશન રોડ ઉપર ખડકાયેલી હતી તેને જપ્ત કરી છે. આ ઉપરાંત કોઠારિયા રોડ, નંદનવન મેઈન રોડ, ધરમ ટોકીઝ રોડ, હોસ્પિટલ ચોક સહિતના વિસ્તારોમાંથી પરચુરણ ચીજવસ્તુઓ, પારેવડી ચોક, જ્યુબેલી, મોચી બજાર, જંકશન રોડ પરથી ૪૨૭ કિલો શાકભાજી-ફળફળાદી તેમજ સેટેલાઈન ચોક, ડી-માર્ટ રોડ, કોઠારિયા રોડ, સરદાર ચોક, ભવાની ચોક, મોહનભાઈ સરવૈયા હોલ સહિતના વિસ્તારોમાંથી મંડપ-છાજલી બદલ ૩૭,૦૦૦નું ભાડું ઉપરાંત ૨૩૨ જેટલા બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા હોવાનું અને દબાણ પેટે રૂા.૫૭૨૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું છે.
લાખાજીરાજ રોડ-ધર્મેન્દ્ર રોડ પર ફેરિયાઓનું દબાણ ન દેખાયું ?
લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોના વેપારીઓ દ્વારા મહાપાલિકા અને પોલીસ તંત્રને વારંવાર ફેરિયાઓ દ્વારા રસ્તા પર કરવામાં આવતાં દબાણમાંથી છૂટકારો અપાવવા માંગણી કરી છે પરંતુ હજુ સુધી તેનો સુચારું ઉકેલ આવ્યો નથી ત્યારે દબાણ હટાવ શાખાને અહીંનું દબાણ શા માટે દેખાતું નહીં હોય તેવો પ્રશ્ન પણ વેપારીઓ પૂછી રહ્યા છે.
સાત દિ’માં ૨૦૬ ઢોર પકડાયા
ઢોરપકડ પાર્ટી દ્વારા તા.૧૨થી ૧૯ સુધીમાં અલગ-અલગ વિસ્તારોમાં રસ્તે રખડતાં ૨૦૬ જેટલા ઢોરને પકડીને તેને ઢોરડબ્બે પૂરવામાં આવ્યા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. સૌથી વધુ ૩૧ ઢોર બેડીપરા, પ્રદ્યુમન પાર્ક, સેટેલાઈટ ચોક, કૂવાડવા રોડ પરથી પકડાયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
