ચૂંટણી પૂરી થતાં જ થૂંકનારા-કચરો ફેંકનારા દંડાવા લાગ્યા !
ટીપરવાન પાછળ કચરાના કોથળા ટીંગાડતાં ચાર કોન્ટ્રાક્ટરને ૨૦,૦૦૦નો દંડ
જાહેરમાં કચરો ફેંકનારા પાંચ સફાઈ કામદાર પણ ઝપટે
લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. એકંદરે મતદારોને દંડ ફટકારી નારાજગી નહીં વ્હોરવાની નીતિ સાથે તંત્ર કામ કરતું હોય છે. ચૂંટણી હોવાને કારણે છેલ્લા ઘણા સમયથી શહેરમાં થૂંકનારા-ગંદકી ફેલાવનારા તત્ત્વોને દંડ ફટકારવાનું બંધ કરી દેવાયું હતું. જો કે જેવી ચૂંટણી પૂરી થઈ કે દંડરૂપી ધોકો ફટકારવાનું શરૂ કરી દેવાયું છે.
જાહેરમાં કચરો ફેંકનારા, ગંદકી ફેલાવનારા, થૂંકનારા બેશરમોને પકડવા માટે મનપા સીસીટીવી કેમેરાની મદદ લઈ રહી છે. આ રીતે તા.૨થી ૧૭ સુધીના ૧૫ દિવસમાં ૧૧૫ વ્યક્તિને જાહેરમાં થૂંકવા તેમજ ૬ને જાહેરમાં કચરો ફેંકવા બદલ દંડ ફટકારાયો છે. જ્યારે જાહેરમાં કચરો ફેંકતા ૧૨ સફાઈ કામદારો પાસેથી ૧૯૦૦નો દંડ, ૨૧ લોકો કે જે જાહેરમાં કચરો ફેંકી રહ્યા હોવાથી તેમની પાસેથી ૮૯૫૦ રૂપિયા તેમજ ટીપરવાનમાં કચરાની બેગ ટીંગાડવા બદલ ટીપરવાનના ચાર કોન્ટ્રાક્ટર પાસેથી ૨૦,૦૦૦ના દંડની વસૂલાત કરવામાં આવી છે.
બીજી બાજુ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના ૧૦૦૦ કેમેરા દ્વારા છેલ્લા ૧૫ દિવસમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબતની ૧૬૨ ફરિયાદો સીસીટીવી રૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવી હતી.