આહિર યુવાનની હત્યામાં ત્રિપુટીની ધરપકડ
મંદિરમાં પૂજા વખતે મૃતકે કરેલા હુમલાનો બદલો લેવા સમાધાન માટે બોલાવી ઢીમ ઢળી દીધું
રાજકોટના જામનગર રોડ પર પરાપીપળીયાના પાટિયા પાસે જમાવડો હોટલ નજીક પડધરીનાખંઢેરી ગામે રહેતાં અને ભેસોનો તબેલો રાખી દૂધનો ધંધો કરતાં પ્રકાશભાઈ કાનાભાઈ સોનારા (ઉ.વ.૪૪) નામના આહીર યુવાનની હત્યામાં ક્રાઇમ બ્રાંચે રામદેવ લક્ષ્મણભાઇ ડાંગર, મહીપત લક્ષ્મણભાઇ ડાંગર અને સતીષ મેરામભાઈ બાલાસરાની ધરપકડ કરી છે.
શુક્રવારે શિવ મંદિરે પૂજા વખતે રામદેવ ડાંગર ઉપર પ્રકાશે કરેલ હુમલાનો બદલો લેવા સમાધાન માટે બોલાવી ત્રણ શખ્સોએ પ્રકાશની સરાજાહેર હત્યા કરી નાસી છૂટયા હોય હત્યારાઓને પકડવા રાજકોટ ક્રાઇમ બ્રાંચ, યુનિવર્સિટી પોલીસ અને એસઓજીની અલગ અલગ ટીમે અલગ અલગ દિશામાં તપાસ કરી હતી અંતે ક્રાઇમ બ્રાંચે ત્રણેયને ઝડપી લીધા હતા. પકડાયેલ આરોપીઓએ ફરાર હતા ત્યારે કયા કયા આશરો મેળવ્યો તેમજ કોણે-કોણે મદદગારી કરી તે સહિતના મુદ્દે ક્રાઇમ બ્રાંચે વધુ પૂછપરછ શરૂ કરી છે. નામચીન બલી ડાંગર સાથે અનેક ગુનામાં સંડોવાયેલ નામચીન આરોપી રામદેવ ડાંગર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેના વિરૂધ્ધ 15 થી વધુ ગુના નોંધાયેલ છે. જયારે મૃતક વિરૂધ્ધ પણ અનેક ગુનામાં સંડોવાયેલ હોવાનું ખુલ્યું હતું. હાલ ત્રણેયને પકડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
