એરપોર્ટમાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરની મનમાની: એન્ટ્રી કરો એટલે ૩૦નો ચાંદલો’ ફરજિયાત !
હજારો મુસાફરોના ખીસ્સા થઈ રહ્યા છે હળવા’ને સત્તાધીશોને કશી જ નથી પડી…અમદાવાદ એરપોર્ટ સહિત ક્યાંય પીકઅપ કે ડ્રોપનો ચાર્જ નથી લેવાતો પણ રાજકોટ એરપોર્ટમાં જાણે કે નિયમ લાગુ ન પડતો હોય તેમ
લાખેણી’ કમાણી કરી લેવાતી હોવાની ફરિયાદો
ખાનગી કારના ૩૦ અને પેસેન્જર વ્હીકલના ૪૦ રૂપિયા ચાર્જ: રોજ ૧૦૦૦થી વધુ કારની અવર-જવર: કોંગ્રેસે પણ કલેક્ટર તંત્રને ઢંઢોળ્યું
રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દરરોજ હજારો મુસાફરોના ખીસ્સા પાર્કિંગરૂપી ચાંદલો કરી કરીને હળવા થઈ રહ્યા હોવા છતાં સત્તાધીશોને તેની કશી જ પડી ન હોય તેમ કાર્યવાહી કરાઈ રહી ન હોવાનો રોષ વ્યક્ત થઈ રહ્યો છે. સામાન્ય રીતે ગુજરાતના એક પણ એરપોર્ટ અને તેમાં પણ ખાસ કરીને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર કોઈ મુસાફર પાસેથી પીકઅપ કે ડ્રોપ મતલબ કે પેસેન્જરને લેવા-મુકવા આવનારા વાહન પાસેથી ચાર્જ લેવામાં આવી રહ્યો નથી. જો કે રાજકોટના એરપોર્ટ ઉપર આ નિયમ લાગુ ન પડતો હોય અથવા તો પાર્કિંગ કોન્ટ્રાક્ટર તેની મનમાની ચલાવીને મુસાફરો પાસેથી પૈસા પડાવી રહ્યા છે જેના કારણે દેકારો બોલી ગયો છે. બીજી બાજુ કોંગ્રેસ દ્વારા પણ કલેક્ટર તંત્રને ઢંઢોળવામાં આવ્યું છે.
જાણવા મળેલી વિગતો પ્રમાણે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર દરરોજ અંદાજે ત્રણેક હજાર પેસેન્જરની અવર-જવર થઈ રહી છે અને તેમને લેવા-મુકવા માટે અંદાજે એક હજારથી વધુ વાહન આવક-જાવક કરતા હોય છે. એરપોર્ટમાં પાર્કિંગનો કોન્ટ્રાક્ટર વી.આઈ.પી. નામની કંપનીને આપવામાં આવ્યો છે જેના દ્વારા કોઈ ખાનગી વાહન પાસેથી ૩૦ રૂપિયા અને પેસેન્જર વાહન પાસેથી ૪૦ રૂપિયાના ચાર્જની વસૂલાત કરવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે ઉપરોક્ત વાહન પૈકીનું કોઈ પણ વાહન પેસેન્જરને માત્ર મુકવા કે લેવા આવે તો તેમની પાસેથી પણ નિયમ વિરુદ્ધ જઈને પાર્કિંગ ચાર્જ વસૂલવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે પેસેન્જરને લેવા-મુકવા આવનારું વાહન પાંચથી સાત મિનિટ માટે એરપોર્ટ પર રોકાણ કરતું હોય છે પરંતુ જેવું તે અંદર પ્રવેશે એટલે તુરંત પહોંચ ફાડીને ચાર્જ વસૂલી લેવાતો હોવાથી છાશવારે માથાકૂટ થયે રાખે છે.
બીજી બાજુ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આ અંગે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જણાવ્યું કે એરપોર્ટમાં પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે. એરપોર્ટ ઓથોરિટીના ટેન્ડરમાં પણ કોઈ વાહન દસ મિનિટથી વધુ પાર્ક કરવામાં આવે તો જ પાર્કિંગ ચાર્જ વસૂલવો તેવી જોગવાઈ છે છતાં તેનું પાલન કરવામાં આવતું નથી. મહત્ત્વની વાત એ છે કે એરપોર્ટના મુખ્ય ગેઈટ પાસે ચેકપોસ્ટ હોવી જોઈએ તેના બદલે વચ્ચે રાખીને ચેકિંગના બહાને મુસાફરોની ૧૦ મિનિટ પસાર કરાવી નાખવામાં આવે છે. આ અંગે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે તો ઘણી ગેરરીતિઓ બહાર નીકળી શકે તેમ છે.
પીકઅપ-ડ્રોપનો ચાર્જ ન જ વસૂલી શકાય: ડાયરેક્ટર
દરમિયાન એરપોર્ટ ડાયરેક્ટર દિગંત બોરાહનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પણ મુસાફર પાસેથી પીકઅપ કે ડ્રોપનો ચાર્જ ન જ વસૂલી શકાય ત્યારે જો આવું બનતું હશે તો કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે.