રાજકોટમાં આંગણવાડીના અધિકારીઓને `નાક’ જ નથી!
હજુ પણ પોષણયુક્ત આહારને બદલે લોટ,પાણીને લાકડા જેવુ અપાતું ભોજન: યોગ્ય તપાસ કરવાને બદલે વર્કરોને ડરાવવામાં-ધમકાવવામાં આવે છે

રાજકોટમાં આંગણવાડીમાં ભૂલકાઓને પુરકપોષણ આહાર આપવાનો હોય છે પરંતુ બાળકોને જે આહાર આપવામાં આવતો આ કહેવતો પુરકપોષણ આહાર માત્રને માત્ર લોટ,પાણી ને લાકડા જેવો જ છે. જે અંગે “વોઇસ ઓફ ડે” દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો. આંગણવાડીનું મોનેટરીંગ કરનારાઓને નાક જ ન હોય તેવું લાગી રહ્યું છે. સોમવારે પણ બાળકોને આપવામાં આવતા દાળ-ભાતમાં પાણી જેવી દાળ આપવામાં આવી હતી. જ્યારે ફ્રૂટમાં બોર આપીને સંતોષ માની લેવામાં આવ્યો હતો. આંગણવાડીમાં ભોજનની ગુણવત્તાની ચકાસણી કરવાને બદલે આંગણવાડી વર્કરોને જ ધમકાવવામાં આવી રહ્યા છે.

“વોઇસ ઓફ ડે”ની ટીમ દ્વારા બે દિવસ અગાઉ નગરપાલિકા સંચાલિત આંગણવાડીની રૂબરૂ મુલાકાત લઈને બાળકોને આપવામાં આવતા ભોજનની તપાસ કરવામાં આવી હતી. જેમાં જાનવર પણ ન ખાય તેવું ભોજન “પોષણયુક્ત આહાર”ના નામે આપવામાં આવતુ હતું. ઉપરાંત બાળકોને સપ્તાહમાં દરરોજના અલગ-અલગ મેનૂ પ્રમાણે સવારે નાસ્તો અને બપોરે ભોજન આપવમાં આવે છે તે પણ આપવામાં આવતું ન હોવાનું જાણવા મળ્યું હતું.
સોમવારે “વોઇસ ઓફ ડે”ની ટીમે ફરી એકવાર આંગણવાડીઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ સમયે પણ બાળકોને બપોરે ભોજનમાં દાળ-ભાત આપવામાં આવ્યા હતા. જેમાં દાળ પાણી જેવી હતી. એક આંગણવાડીના વર્કરે તો એવું કહ્યું કે, “આજે વઘાર બરોબર નથી. એટલે દાળ બરોબર લાગતી નથી. પરંતુ વાસ્તવિકમાં બાળકોને આપવામાં આવતા દાળ-ભાતમાં દાળ પાણી જેવી જોવા મળી હતી. સવારના સમયે આંગણવાડીમાં પાયાનું શિક્ષણ લેવા આવનાર નાના-નાના ભૂલકાઓ બપોર સુધીમાં ભૂખથી ટળવળતા હોય આવું ભોજન આરોગી રહ્યા છે.
બાળકોને પોષણયુક્ત આહાર આપવાને બદલે માસૂમ બાળકોને લોટ, પાણી અને લાકડા જેવુ ભોજન આપી રહ્યા છે. નાક વગરના નફ્ફટ અધિકારીઓ બાળકોને પોષણયુક્ત આહાર આપવાના બદલે આંગણવાડીઓના વર્કરોને ધમકાવી રહ્યા છે અને કોઈને આંગણવાડીમાં પ્રવેશ આપવાથી રોકી રહ્યા છે. બાળકોના ભોજનમાંથી પણ મલાઈ તારવી લેવાની એમની દાનત જોવા મળી રહી છે.
મહત્વનું છે કે, બાળકોને મેનૂ પ્રમાણે નાસ્તો અને ભોજન આપવામાં આવે છે પરંતુ કેટલીક આંગણવાડીના વર્કરોનું કહેવું છે કે, બાળકોને જે સુખડી આપવામાં આવે છે તે તેલની અથવા તો ડાલડા ઘીમાંથી બનેલી આપવામાં આવે છે. તો સફરજન, દાડમ જેવા ફ્રૂટને બદલે ચીકુ અને બોર જ આપવામાં આવે છે. તો વળી મેનુમા વઘારેલા ચણા આપવાનું પણ દર્શાવવામાં આવ્યું છે તે ચણા તો ભાગ્યે જ જોવા મળે છે. આ ઉપરાંત શહેરમાં આવેલી આંગણવાડીઓના વર્કરોને સુપ્રવાઇઝરો દ્વારા ધમકાવવામાં આવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ધમકાવી અને ડરાવીને માફી પત્રો લખાવવામાં આવી રહ્યા છે.
મહાનગર પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ એસી ઓફિસ છોડીને આંગણવાડીના માસૂમ નાના-નાના ભૂલકાઓના ભોજનમાંથી મલાઈ તારવતા નફાફટ તત્વો સામે યોગ્ય પગલાં લે તો શહેરીજનો પણ કહી શકે કે તમે નિષ્ઠા અને પ્રામાણિકતાથી ફરજ બજાવી રહ્યા છો. બાકી ભૂલકાઓના પેટમાં જવાના ભોજનના રૂપિયા જેના ખિસ્સામાં જાય છે તેના પાપના ભાગીદાર આપ પણ એટલા જ છો.