કટારિયા ચોકડીએ અન્ડરબ્રિજ ઉપર ઓવરબ્રિજ બનશે
નવા રિંગરોડ પર ગોંડલ રોડથી ઘંટેશ્વર તરફના રસ્તે અન્ડરબ્રિજ તો કાલાવડ રોડની દિશામાં ઓવરબ્રિજનું પ્લાનિંગ: ગોંડલ રોડથી જામનગર રોડ પર જનારા વાહનો અન્ડરબ્રિજમાંથી તો કટારિયા ચોકડીએ ઊભા ન રહેવા માંગતા વાહનો ઓવરબ્રિજ પરથી થઇ શકશે પસાર: ૧૩૫ કરોડનો કરાશે ખર્ચ, બ્રિજની ડિઝાઈન દ્વારકાના સિગ્નેચર બ્રિજ જેવી જ રહેશે
પીડીએમ ફાટકે ૧૦૦ કરોડના ખર્ચે બનશે અન્ડરબ્રિજ
રાજકોટમાં ટ્રાફિક સમસ્યા દિવસેને દિવસે વિકરાળ બની રહી છે તેવામાં તેના નિકાલ માટે તંત્ર દ્વારા બ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. આવો જ એક બ્રિજનો મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ કટારિયા ચોકડીએ ગત વર્ષના બજેટમાં જાહેર કરવામાં આવ્યો હતો જેનો સમાવેશ આ વખતના બજેટમાં કરાયા બાદ હવે તેણે ગતિ પકડી લીધી છે. દરમિયાન કટારિયા ચોકડીએ દ્વારકાના સિગ્નેચર બ્રિજ જેવો જ કેબલ બ્રિજ બનાવવામાં આવશે પરંતુ અહીં અન્ડરબ્રિજની ઉપર ઓવરબ્રિજ બનાવવાનું પ્લાનિંગ મહાપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે અતે ડિઝાઈન પણ આ પ્રકારે જ ફાઈનલ કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે તાજેતરમાં જ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં કટારિયા ચોકડીએ બ્રિજનો ઈરાદો જાહેર કર્યો હતો. આ બજેટનો અત્યારે સ્ટેન્ડિંગ કમિટી અભ્યાસ કરી રહી છે અને તેના તરફથી મંજૂરી મળી જાય એટલે સરકાર પાસેથી બ્રિજના નિર્માણ માટે ગ્રાન્ટ માંગવામાં આવશે. આ બ્રિજ પાછળ ૧૩૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. બ્રિજ કેવી રીતે બનાવવામાં આવશે તે અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે નવા રિંગરોડ પર ગોંડલ રોહથી ઘંટેશ્વર તરફના રસ્તે અન્ડરબ્રિજ તો કાલાવડ રોડની દિશામાં ઓવરબ્રિજનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આવી જ રીતે ગોંડલ રોડથી જામનગર રોડ પર જનારા વાહનો અન્ડરબ્રિજ તો કટારિયા ચોકડીએ ઉભા ન રહેવા માંગતા વાહનો ઓવરબ્રિજ પરથી પસાર થઈ શકશે. એકંદરે અહીં ટ્રાફિકજામ થાય જ નહીં તે પ્રકારની ડિઝાઈન ઈજનેરો દ્વારા તૈયાર કરવામાં આવી છે.
બ્રિજની ડિઝાઈન ફાઈનલ કરીને સરકારને મોકલી દેવામાં આવી છે. એકંદરે નવા રિંગરોડ પર ગોંડલ રોડથી ઘંટેશ્વર તરફના રસ્તે અન્ડરબ્રિજ અને તેના પર હયાત રોડ અને કાલાવડ રોડની દિશાએ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. ગત બજેટમાં અહીં બ્રિજ બની શકે કે કેમ તે અંગે તંત્ર દ્વારા પ્રિ-ફિઝિબિલિટી રિપોર્ટ કરાવાયો હતો.
પીડીએમ ફાટકે ૧૦૦ કરોડના ખર્ચે બનશે અન્ડરબ્રિજ
મહાપાલિકા દ્વારા કટારિયા ચોકડીએ અન્ડર-ઓવરબ્રિજની સાથે જ પીડીએમ ફાટકે ૧૦૦ કરોડના ખર્ચે અન્ડરબ્રિજ બનાવવાનું કામ આગળ ધપાવવામાં આવી રહ્યું છે. આ બ્રિજનો ઈરાદો પણ ડ્રાફ્ટ બજેટમાં જાહેર કરી દેવાયો હોવાથી સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ તેનું ટેન્ડર, એલઓપી સહિતની પ્રક્રિયા હાથ ધરાશે.