લોધીકાના વાગુદળ ગામે વિવાદિત મહંતના આશ્રમમાં દબાણ મુદ્દે તપાસ
જીએસટી કમિશનરની ગાડીના કાચ ફોડવા સાધુને ભારે પડશે
લોધીકા મામલતદાર દ્વારા દબાણ નાયબ મામલતદાર સહિતની ટીમોને તપાસ માટે દોડાવી
બે દિવસ પૂર્વે રાજકોટના કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ બ્રિજ નજીક જીએસટી કમિશનરની ગાડીના કાચ ફોડી નાખી વાગુદળ ગામ નજીક આશ્રમ ધરાવતા મહંતે હંગામો મચાવતા આ બનાવ મામલે રાજકોટમાં મહંત વિરુદ્ધ ગુન્હો નોંધાયો છે ત્યારે બીજી તરફ અધિકારીની ગાડી ઉપર હુમલો કરવા મામલે વિવાદિત સાધુના આશ્રમની જગ્યા સરકારી ખરાબામાં હોય દબાણ મામલે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે બે દિવસ પહેલા રાત્રીના સમયે રોન્ગ સાઈડમાં ધસી આવેલા સાધુ અને તેમના સેવકોએ જીએસટી અપીલ કમિશનરની ઇનોવા ગાડીના ચાલક સાથે માથાકૂટ કરી બાદમાં કારના કાચ ફોડી નાખતા બનાવ મામલે ઇનોવા ચાલકની ફરિયાદ બાદ આરોપી એવા વાગુદળ આશ્રમના મહંત યોગી ધરમનાથ ઉર્ફે જીજ્ઞેશકુમાર નવીનચંદ્ર ધામેલીયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.
બીજી તરફ લોધીકા તાલુકાના વાગુદળ નજીક આ વિવાદિત મહંતે આશ્રમ ઉભો કરી લીધો હોવાથી સરકારી તંત્ર દ્વારા મુદ્દે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. લોધીકા મામલતદાર દિનેશભાઈ ભાદે જણાવ્યું હતું કે, લોધીકા તાલુકાના વાગુદળ ગામની સીમમાં આવેલ શ્રીનાથજીની મઢી, અખિલ ભારતીય અવધૂત આશ્રમ મામલે હાલમાં તપાસ ચાલુ છે, દબાણ નાયબ મામલતદાર અને તેમની ટીમને હાલમાં સ્થળ તપાસમાં મોકલવામાં આવી છે અને સરકારી જમીનમાં દબાણ માલુમ પડ્યે નોટિસ અને ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.