મનપાએ જેટલો વેરો ઉઘરાવ્યો એ બધો જ પગારમાં ખર્ચાઈ જશે !
૨૦૨૩-૨૪ના વર્ષમાં તંત્રને વેરાપેટે ૩૬૫.૨૧ કરોડની આવક થઈ’તી જેની સામે પગાર ખર્ચ ૩૮૦ કરોડને આંબી જશે
નવું નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ શરૂ થઈ ચૂક્યું છે. આ વર્ષમાં થનારા ખર્ચ-આવકના હિસાબ-કિતાબ પણ શરૂ થઈ ચૂક્યા છે ત્યારે એવી વિગતો સામે આવી રહી છે કે મહાપાલિકાએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં જેટલો વેરો પ્રજા પાસેથી ઉઘરાવ્યો છે તે તમામ મહાપાલિકામાં ફરજ બજાવતાં ૫૦૦૦થી વધુ કર્મચારીઓના પગાર પાછળ જ ખર્ચાઈ જશે. જો કે તેમાં પણ પંદરેક કરોડની ખાધ હોવાનું સામે આવી રહ્યું છે.
જાણવા મળ્યા પ્રમાણે મહાપાલિકાએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં ૩,૯૫,૫૩૧ કરદાતાઓ પાસેથી ૩૬૫.૩૧ કરોડની વેરા ઉઘરાણી કરી હતી. બીજી બાજુ મનપાના કર્મીઓને પગાર ચૂકવવા માટે ૩૮૦ કરોડ જેટલો ખર્ચ થવાનો હોવાથી વેરા આવક વપરાઈ ગયા બાદ પણ પંદર કરોડ રૂપિયાની ઘટ પડી રહી છે જે સરભર કરવા માટે અન્ય વિભાગ પાસેથી `ઉઘરાણી’ કરવામાં આવશે.
ચૂંટણીના વર્ષમાં કોર્પોરેટરોએ ફટાફટ ગ્રાન્ટ વાપરી !
૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં ૧૮ વોર્ડના તમામ કોર્પોરેટરોને ૧૦.૮૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ વિકાસકાર્યો માટે ફાળવવામાં આવી હતી. કુલ ગ્રાન્ટમાંથી ૧૦.૪૭ લાખ રૂપિયા વાપર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ વર્ષમાં લોકસભા ચૂંટણી હોવાથી લોકોના મોઢે માગ્યા કામ કરવામાં આવ્યા છે જેમાં બાકડા મુકાવવા સહિતના નાના-મોટા કામ સમાવિષ્ટ છે. આ જ રીતે મનપાને પીપીપી ધોરણે ટ્રાફિક સર્કલ ડેવલપમેન્ટ કરવાના બદલામાં ૩૮ લાખનું પ્રિમીયમ મળ્યું છે.