ટીઆરપી ગેમઝોન બાદ નવા ગેમઝોન માટે મંજૂરી મળતી નથી ત્યારે કોર્પોરેશને જ ગેમઝોનનું કામ ચાલુ કરતા વિરોધ
બાળકોની જિંદગી દાવ ઉપર ? કેકેવી ઓવરબ્રિજ નીચે ગેમઝોન નિર્માણ !
ટ્રાફિકથી ધમધમતા રોડ ઉપરના વાહનો અને પુલ ઉપરથી પસાર વાહનો અકસ્માત સર્જશે તેવી ભીતિ સાથે સ્થાનિકોમાં રોષ
રાજકોટના નાનામવામા ટીઆરપી ગેમઝોનમાં 17 માનવજિંદગીનો ભોગ લેવાયા બાદ રાજકોટમાં બાંધકામ પ્લાનને મંજૂરી આપવામાં ખુબ જ કડકાઈ રાખવામાં આવી રહી છે અને રાજ્યભરમાં લાંબા સમય સુધી ગેમઝોન બંધ કરાવી દેવામાં આવ્યા હતા તેવા સંજોગોમાં ભૂતકાળમાંથી શીખ મેળવવાને બદલે રાજકોટ મહાનગર પાલિકા દ્બારા કેકેવી ડબલ હાઈટ ઓવરબ્રિજની નીચે પાર્કિંગ હટાવી આ વાહનપાર્કિંગની જગ્યામાં ગેમઝોનનું નિર્માણ કાર્ય શરૂ કરતા ખળભળાટ મચી ગયો છે અને કોર્પોરેશનના આ વગર વિચાર્યા આયોજન સામે સ્થાનિકોએ જબરો વિરોધ કરી કોઈપણ સંજોગોમાં અહીં બાળકોની જિંદગી સાથે ખિલવાડ થાય તેવો ગેમઝોન નિર્માણ ન થાય તે માટે રજૂઆતનો મારો ચલાવી જરૂર પડ્યે હાઇકોર્ટના દ્વાર ખખડાવવા તૈયારી શરૂ કરી છે.
રાજકોટના કેકેવી ફ્લાયઓવર નીચે મહાનગર પાલિકા દ્વારા ગેમઝોન નિર્માણ કરવા ખોદકામ શરૂ કરતા જ સ્થાનિકોએ વિરોધ શરૂ કર્યો છે જેમાં અહીં આવેલ વર્ણીરાજ રેસ્ટોરન્ટ, પરિમલ સ્કૂલના સંચાલકોએ ઘનશ્યામ સતાણીની આગેવાની હેઠળ આરએમસીને લેખિત રજુઆત કરતા જણાવ્યું હતું કે, ફ્લાયઓવર બ્રીજ નીચે આવા કોઈ ગેમઝોન બનાવી શકાય ? તે અંગે બ્રીજ તૈયાર કરનાર એન્જીન્યર પાસેથી આવું કોઈ પ્રમાણ પત્ર મેળવવામાં આવ્યું છે ખરું ? ભવિષ્યમાં કોઈ દુર્ઘટના સર્જાય તો બ્રીજ તૂટતા બાળકોનાં જીવને જોખમ રહેલ હોય બાળકોની જિંદગી દાવ પર લગાવીને રાજકોટ મહાનગર પાલિકા દ્વારા ગેમઝોન નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવેલ હોય તેથી તે નિર્ણય રદ્દ કરી આ કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવવવા માંગણી કરી છે.
સાથે જ ફલાયઓવર બ્રીજ નીચે ગેમઝોન બનાવવામાં આવે તો પબ્લિક પાર્કિંગની સમસ્યાનો ગંભીર પ્રકારે સામનો કરવો પડે છે તેમજ ગેમઝોનનાં કારણે પાર્કિંગની વ્યવસ્થા અને ટ્રાફિકની વ્યવસ્થા જાળવવામાં ખુબ જ મુશ્કેલી થઈ શકે જેના પરિણામે એર-પોલ્યુશન અને નોઈસ પોલ્યુશન જેવી સમસ્યાનો નાગરિકોએ સામનો કરવો પડે તેમ હોય તેથી જાહેર જનતાનાં હિતની વિરુદ્ધનો આ નિર્ણય હોય તેથી તે રદ્દ કરી આ કામગીરી તાત્કાલિક ધોરણે અટકાવવી જોઈએ તેવી માંગણી પણ રજુઆતમાં કરી છે ઉપરાંત રાજ્યમંત્રી ભાનુબેન બાબરીયાને પણ સ્થાનિકોએ રજુઆત કરી છે.
રજૂઆતના અંતે સ્થાનિકોએ મહાનગર પાલિકા ઉપર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગર પાલિકાની બેદરકારીને કારણે ટી.આર.પી. ગેમઝોનમાં આગની દુર્ઘટનાને કારણે કેટલાય બાળકોનું મૃત્યુ થયેલ હોય ત્યારે ફરી વખત રાજકોટ મહાનગર પાલિકા અનહદ બેદરકારી સાથે જોખમ હોય તેવા બ્રીજ નીચે ગેમઝોન બનાવીને હજી કેટલા નિર્દોષ બાળકોનો ભોગ લેવા માંગે છે ? ભવિષ્યમાં આવી કોઈ જ દુર્ઘટના બને તો શું તે બાળકોને કશું નહિ થાય તેની સંપૂર્ણ જવાબદારી રાજકોટ મહાનગર પાલિકા લેશે? આ તમામ સવાલો અંગે વિચાર કરવામાં આવે તો બ્રીજ નીચે ગેમઝોન બનાવવાનો નિર્ણય તદ્દન ખોટો હોય તેથી તે નિર્ણય રદ્દ કરવા માંગ ઉઠાવી જાહેર જનતાના હિતમાં જો રાજકોટ મહાનગર પાલિકા દ્વારા આ નિર્ણય રદ્દ નહિ કરવામાં આવે તો આ અંગે હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટ્રેસ્ટ લીટીગેશન દાખલ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.
પાલિકાના ઈજનેર કહે છે અહીં પિકલ બોલ, બોક્સ ક્રિકેટ માટે ગેમઝોન ઉભું થશે
કેકેવી ઓવર બ્રિજ નીચે નવા ગેમઝોન નિર્માણ અંગે રાજકોટ મહાનગર પાલિકાના ઈજનેર કુંતેશ મહેતાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન અહીં પાર્કિંગની જગ્યા ખુલ્લી જ રાખવાનું છે સાથે જ વધારાની જગ્યામાં ગેમઝોન નિર્માણ કરી અહીં પિકલ બોલ, બોક્સ ક્રિકેટ, સ્કેટિંગ સહિતની અન્ય ઇન્ડોરગેમ બાળકો રમી શકશે, વધુમાં ભવિષ્યમાં પુલ દુર્ઘટના કે અન્ય કોઈ અકસ્માત સર્જાશે તો તેવા પ્રશ્નના ઉત્તરમાં તેઓએ તમામ બાબતો માટે રાજકોટ મહાનગર પાલિકા જવાબદાર હોવાનું જણાવ્યું હતું.