મનપાનાલોકદરબાર’ પછી વોર્ડ નં.૧ અને ૩ એવા ને એવા…!
વોઈસ ઓફ ડે'ના રિયાલિટી ચેકમાં વાસ્તવિક્તા તદ્દન વિપરિત...
૭ દિ’ પહેલાં વોર્ડ નં.૧ના લોક દરબારમાં સફાઈની ૨૮ ફરિયાદ આવી’તી જેનો ત્વરિત ઉકેલ લાવવાના બણગા ફૂકાયા હતા પણ ઉકળ્યું કશું જ નહીં !
૫ દિ’ પહેલાં વોર્ડ નં.૩ના લોક દરબારમાં સફાઈની ૧૩ ફરિયાદ આવી’તી છતાં હજુ સુધી ઠે-ઠેર ગંદકીના ગંજ
લોકોમાં ગજબ રોષ, આવા જ નાટક' કરવા હોય તો પછી શા માટે લોકોનો સમય વેડફવામાં આવે છે ?
લોકોને પોતાના વિસ્તારમાં સફાઈ, પાણી, લાઈટ, ગંદકી સહિતના મુદ્દે કેવા પ્રકારની સમસ્યા નડી રહી છે તે જાણવા માટે મહાપાલિકા દ્વારા વોર્ડવાઈઝ
લોકદરબાર’નું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં વોર્ડ નં.૧થી ૫માં આ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયો છે. દરેક લોક દરબારમાં લોકોની મહત્તમ ફરિયાદ સફાઈની જ આવી હોવાથી પદાધિકારીઓ દ્વારા આ ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવાની બાહેંધરી આપવામાં આવી હતી. જો કે `વોઈસ ઓફ ડે’ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં વોર્ડ નં.૧ અને ૩માં વાસ્તવિક્તા કંઈક વિપરિત જ હોવાનું ધ્યાન પર આવ્યું છે. વોર્ડ નં.૧માં આયોજિત લોક દરબારમાં સફાઈની ૨૮ સહિત ૮૨ ફરિયાદો આવી હતી. સફાઈની ફરિયાદોનો ઝડપથી ઉકેલ લાવવા માટે સ્થળ પર જ આદેશ અપાયો હતો પરંતુ અધિકારીઓ-કર્મીઓ દ્વારા તેને ઘોળીને પી જવામાં આવ્યો હોય તેમ ઉપરોક્ત તસવીરમાં રૈયા રોડ, રૈયાધાર સ્લમ ક્વાર્ટર શાક માર્કેટ, નાણાવટી ચોક, ધરમનગર પાસે સહિતના સ્થળોએ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ જ રીતે વોર્ડ નં.૩માં સાધુ વાસવાણી કુંજ રોડ પર આસ્થા ચોક પાસેની જગ્યા કે જ્યાં ખાણીપીણીની રેંકડીઓ ઉભી રહે છે ત્યાં ગંદા પાણીની રેલમછેલ જોવા મળી રહી છે.
પાંચ વર્ષમાં એક વખત આવો કાર્યક્રમ ન કરવાનો હોય
રૈયા રોડ પર રહેતા શૈલેષભાઈ નામના એક વ્યક્તિએ `વોઈસ ઓફ ડે’ને રોષપૂર્વક જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા પાંચ વર્ષમાં એક વખત આ પ્રકારે લોક દરબારનું આયોજન કરવામાં આવે છે જે વ્યાજબી નથી. આ પ્રકારના કાર્યક્રમ નિયમિત થવા જોઈએ અને ખાસ કરીને મહાપાલિકાએ એક જ જગ્યાએ લોકોને ભેગા કરીને કાર્યક્રમ યોજવાનું ટાળવું જોઈએ કેમ કે એક વોર્ડ ઘણો જ મોટો હોવાથી ઘણા લોકો લોક દરબારમાં આવી પણ શકતા નથી !