ઈશ્વરીયા પાર્ક બાદ રાજકોટને મળશે માણેક
૫૦ લાખના ખર્ચે ૬ એકરમાં બની રહ્યું છે માલીયાસણ નેચર એજયુકેશન કેમ્પ
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા માલીયાસણ નજીક માણેક પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર શરૂ કરાશે
રાજકોટ : રાજકોટની ભાગોળે વેલી ઓફ વાઈલ્ડ ફ્લાવર રૂપે જિલ્લા વહીવટીતંત્રએ રાજકોટ શહેરને વિશાળ ઈશ્વરીયા પીકનીક પાર્કની ભેટ આપ્યા બાદ ટૂંક સમયમાં જ રાજકોટ- અમદાવાદ નેશનલ હાઇવે ઉપર માલિયાસણ નજીક બાળકોને પ્રાકૃતિક શિક્ષણ માટે 6 એકર જમીનમાં આંબા, ચીકુ, નાળિયેરી, દાડમ, સરગવો સહિતના 1200 ઘટાટોપ વૃક્ષો સાથેનો માણેક ભેટ આપવામાં આવશે.
જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી દ્વારા રાજકોટ જિલ્લામાં નવતર પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.રાજકોટ તાલુકાના માલીયાસણ ગામે એ.૫-૦૦ ગુંઠા સને ૧૯૯૧ થી ૧૫ વર્ષના ભાડા૫ટે ફળઝાડના હેતુ માટે ડો.એલ.કે.ચાવડાને ફાળવવામાં આવેલ હતી. ત્યારબાદ આ ભાડા૫ટાની મુદત પુર્ણ થતાં આ જમીન સરકારને પરત કરવામાં આવતા આ જમીનને પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર તરીકે વિકસાવવા જિલ્લા કલેકટર રાજકોટના અધ્યક્ષસ્થાને મહેસુલ, ફોરેસ્ટ, બાગાયત તથા માર્ગ અને મકાન ખાતાઓની એક કમિટીની રચના કરવામાં આવી છે.
આ માણેક કેન્દ્ર નેશનલ હાઈવેથી ફક્ત ૫૦૦ મીટરના અંતરે આવેલ છે. આ સાથે જમીનની આજુબાજુમા આવેલ અંદાજીત એ.૧.૦ ગુંઠા સરકારી જમીન ભેળવી રૂ. ૫૦ લાખના ખર્ચે અહીં બાળકોને રહેવા સહિતની સુવિધા વિકસાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેન્દ્રને માલિયાસણ નેચર એજ્યુકેશન કેમ્પ(MaNEC) માણેક નામ આપવામાં આવ્યું છે. આ જમીન પર આંબા, ખારેક, નાળીયેરી, જામફળ, લીંબુ, ચીંકુ, પપૈયા, દાડમ, સીતાફળ, ગુંદા, સફેદ જાંબુ, રાયણ, સરગવો વગેરે સહિત કુલ ૬૦ પ્રકારના અંદાજીત ૧૨૦૦ જેટલા ફળઝાડોનો ઉછેર કરવામાં આવ્યો છે.
વધુમાં માણેકની નજીક આવેલ એક તળાવ તથા ચેકડેમની મદદથી આ જમીનની પીયત કરવામાં આવશે. વધુમાં આ બાગમાં ટપક સિંચાઈ પધ્ધતિથી બાગમાં રહેલ તમામ વૃક્ષોને પાણી આપી ઉછેરવામાં આવશે. આ માટે જરૂરી સીકયુરીટી ગાર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાકૃતિક શિક્ષણ કેન્દ્ર શરૂ થતા રાજકોટ જિલ્લાના ગ્રીન કવરમાં પણ વધારો થશે તેમજ બાળકો અને સર્વે નગરજનો ને પ્રકૃતિને વધુ નજીકથી સમજવાની તેમજ માણવાની તક મળશે, સાથે જ આ માણેક આગામી શિયાળાની સીઝનથી કાર્યરત થનાર હોવાનું જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું.
