૯૭ દિવસ બાદ આજે મળશે મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક: ૬૮ દરખાસ્તો
રેસકોર્સ સ્વિમિંગ પુલમાં કોચ રૂમ, બાળકો માટે શાવર રૂમ બનાવવા, નવી ટાઈલ્સ ફિટ કરવા, મોટામવા ઈલે.સ્મશાનને ગેસ સ્મશાનમાં તબદીલ કરવા, સરદારનગર મેઈન રોડથી ડૉ.દસ્તુર માર્ગને જોડતો વોંકળો પાકો કરવા સહિતની દરખાસ્તો પર લેવાશે નિર્ણય
લોકસભા ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થયા બાદ આજે પહેલી વખત મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળશે જેમાં કરોડો રૂપિયાની ૬૮ દરખાસ્તો ઉપર નિર્ણય લેવામાં આવશે. કમિટીની આ બેઠક ૯૭ દિવસ બાદ મળી રહી હોય તેમાં કેવા પ્રકારના નિર્ણય લેવાય છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.
ચેરમેન જયમીન ઠાકરના અધ્યક્ષસ્થાને મળનારી આ બેઠકમાં મહત્ત્વની દરખાસ્તો પર નજર કરવામાં આવે તો મહાપાલિકા હસ્તકના મોટામવામાં આવેલા ઈલેક્ટ્રિક સ્મશાનને ગેસ સ્મશાનમાં તબદીલ કરવા, વોર્ડ નં.૫માં પેડક રોડ પર અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ પાસે ફાઈનલ પ્લોટ ૧૯૧માં બોક્સ ક્રિકેટ પીચ બનાવવા, વોર્ડ નં.૧૫માં રામવન ગેઈટ સામે આવેલી સરકારી જગ્યામાં બ્લોક પ્લાન્ટેશન કરવા, વોર્ડ નં.૧૦માં આત્મીય યુનિવર્સિટી પાછળ ગોખકામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં બોક્સ ક્રિકેટ પીચ બનાવવા, નાકરાવાડી લેન્ડફિલ સાઈટ પર વૃક્ષારોપણની સાઈટ પર મુલાકાતીઓને સુવિધા પૂરી પાડવા, વોર્ડ નં.૭માં સરદારનગર મેઈન રોડથી ડૉ.હોમી દસ્તુર માર્ગને જોડતો વોંકળો પાક્કો કરવા, રેસકોર્સ સ્વિમિંગ પુલ પાસે ચિલ્ડ્રન શાવર રૂમ, કોચ રૂમ બનાવવા તેમજ સ્વિમિંગ પુલની ટાઈલ્સ બદલવા સહિતની દરખાસ્તો ઉપર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે.