આજથી સ્કૂલવાન સંચાલકોની રાજ્યવ્યાપી હડતાળ, વાલીઓને હાલાકી
પાસીંગમાં ત્રણ માસની મુદ્દત આપવા સહિતની માંગ: રાજ્યવ્યાપી હડતાલથી વાલીઓ પરેશાન
સરકારે ગેસથી દોડતી સ્કૂલવાન સામે ટેક્સી/મેક્સી પાસીંગ ફરજિયાત કરવાના અમલ સામે સ્કૂલવાન ચાલકોએ ત્રણ મહિનાનો સમય આપવાની માંગણી કરી હતી. જેનો સરકારે સ્વીકાર ન કરતાં આજથી ખાનગી સ્કૂલવાન સંચાલકો રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલનું એલાન આપ્યું છે.
એક તરફ વેકેશન ખૂલી ગયું છે તો બીજી તરફ સ્કૂલવાન સંચાલકો પોતાના પ્રશ્નોને લઈને મંગળવાર એટલે કે આજથી રાજ્યવ્યાપી હડતાલ ઉતરી ગયા છે. તેવામાં વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સ્કૂલવાન ચાલકોએ સ્કૂલવાન અને રિક્ષાની પાસીંગ પ્રક્રિયા માટે રાજ્ય સરકાર પાસેથી ત્રણેક મહિનાનો સમય માંગવામાં આવ્યો હતો પરંતુ તે માંગ સ્વીકારાઈ નથી.
ઉપરાંત સ્કૂલવાહન સંચલકોના અન્ય પડતર પ્રશ્નો, મંથર ગતિએ થતી પાસીંગની પ્રક્રિયા, ટ્રાફિક પોલીસ અને આરટીઓ વિભાગની કેટલીક કાર્યવાહીના વિરોધમાં આ રાજ્યવ્યાપી હડતાલનો નિર્ણય લેવાયો છે. સ્કૂલવાન સંચાલકો પોતાની મુખ્ય માંગણીઓમાં સરકાર પાસીંગની મુદ્દતમાં ત્રણ માસનો સમય આપે, પાટિયા મૂકવાની છૂટ આપે, સ્પીડમાં 40 કિમીની સ્પીડની મંજૂરી આપે સહિતની માંગ કરી રહ્યા છે. મહત્વનું છે કે, રાજકોટ સહિત રાજ્યના હજારો સ્કૂલવાન સંચાલકો આજથી અચોક્કસ હડતાલ પર ઉતરી જતાં વાલીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.