૧૯ દિ’ બાદ રેસકોર્સમાં થશે ધડાકા !
પેટા: મહાપાલિકા હજારો લોકોને એકઠા કરશે: દૂર દૂર સુધી સંભળાશે અવાજ
નવલી નવરાત્રિનો તહેવાર પૂર્ણતાના આરે છે અને ખેલૈયાઓ અંતિમ દિવસોમાં ઝૂમી-રમી લેવા માટે તલપાપડ જોવા મળી રહ્યા છે ત્યારે દશેરા બાદ લોકો દિવાળીની ઉજવણી કરવા માટેની તૈયારીમાં લાગી જવાના છે. આ બધાની વચ્ચે મહાપાલિકાએ ૧૯ દિવસ બાદ રેસકોર્સના ગ્રાઉન્ડમાં ધડાકા કરવાનું આયોજન ગોઠવી કાઢ્યું છે અને આ ધડાકા દૂર દૂર સુધી સંભળાય તે માટે અત્યારથી જ કાર્યવાહી શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.
૧૯ દિવસ બાદ લોકો ધનતેરસની શુકનવંતી ઉજવણી કરવાના છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાપાલિકા દ્વારા આતશબાજીનો કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. જો કે આ વખતે ખરીદવામાં આવનારા ફટાકડાને લઈને કોઈ પ્રકારનો આક્ષેપ ન થાય તે માટે ટેન્ડર પદ્ધતિથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવામાં આવ્યો છે એટલા માટે ફટાકડા ખરીદીનું ટેન્ડર પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે અમુક શરત પણ રાખવામાં આવી છે જે પ્રમાણે જે એજન્સી ફટાકડા સપ્લાય કરશે તે ૬૦ મિનિટ સુધી એટલે કે પૂરી એક કલાક સુધી ફટાકડા ફૂટે તેટલા જથ્થામાં ફટાકડા સપ્લાય કરવાના રહેશે અન્યથા એજન્સી સામે કાર્યવાહી કરાશે.
આ વર્ષે ૨૯ ઑક્ટોબરે ધનતેરસે છે ત્યારે સાંજે ૭ વાગ્યે રેસકોર્સના માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર આતશબાજીનો કાર્યક્રમ યોજાશે. આ આતશબાજીમાં “કોમેટ (૨૦૦ નંગ), માઈન્સ (૨૦૦ નંગ), એરિયલ શોટ (૭૦૦ નંગ), ૨૪૦ મલ્ટીકલર એરિય શોટ, ૧૨૦ મલ્ટીકલર શોટ, ૧૦૦ શોટ-ક્રેકલિંગ, ૧૦૦ શોટ મ્યુઝિકલ, ૧૦૦ શોટ-સાયરન, નાયગ્રા ફોલ્સ (૨૦૦ ફૂટ), હેપ્પી દિવાલી બોર્ડ, પીકોક, ઝાડ થ્રી ઈન વન ખજૂરી, ઝાડ સૂર્યમુખી, ઝાડ પામ, ઝાડ ગોલ્ડન સ્ટાર, ઝાડ ઈલેક્ટ્રિક ખજૂરી, ઝાડ અશોકચક્ર અને તારામંડળ” સહિતના એક એકથી ચડિયાતા ફટાકડા ફૂટશે.
આ ઉપરાંત તંત્ર દ્વારા ગત વર્ષની જેમ દિવાળી કાર્નિવલની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે જેમાં લેસર-શો, શણગાર સહિતનો સમાવેશ થાય છે.