એક્સિડેન્ટલ ઝોન’ એટલે આજી ડેમ પોલીસ મથક વિસ્તાર: ૩૦૦ દિ’માં ૩૪ અકસ્માત
રાહતની વાત: ૨૦૨૩ની તુલનાએ ૨૦૨૪માં અકસ્માતના બનાવમાં અડધોઅડધ ઘટાડો
પરપ્રાંતીયો જ્યાં વધુ સંખ્યામાં રહે છે, સૌથી વધુ કારખાના જ્યાં આવેલા છે તે આજીડેમ પોલીસ મથકનો વિસ્તાર પણ સૌથીવિશાળ’
ત્રણ હત્યા, ૧૨ ઘરફોડ ચોરી, બે ઠગાઈ, ત્રણ હત્યાના પ્રયાસ સહિતના ગુન્હાઓથી ભારે' ગણાતા આ પોલીસ મથકના સ્ટાફે રાત-દિવસ દોડવું પડે છે

જ્યાં સૌથી વધુ પરપ્રાંતીયો રહે છે, જ્યાં સૌથી વધુ કારખાના આવેલા છે તે આજી ડેમ પોલીસ મથકમાં ગુન્હાખોરીનો ગ્રાફ અન્ય પોલીસ મથકની સાપેક્ષમાં સરખો જ છે આમ છતાં અહીંના વિસ્તારનેએક્સિડેન્ટલ ઝોન’ ગણવો પડે તેવું પ્રાપ્ત થયેલા આંકડા પરથી લાગી રહ્યું છે. જો કે રાહતની વાત એ પણ છે કે અહીંના પોલીસ સ્ટાફની આગવી સૂઝબૂઝને કારણે અકસ્માતની સંખ્યામાં અડધોઅડધ ઘટાડો પણ આવ્યો છે. ૨૦૨૩ના આખા વર્ષમાં આજી ડેમ પોલીસ મથક વિસ્તારમાં કુલ ૬૧ અકસ્માત થયા હતા જેની સામે આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૨૬ ઑક્ટોબર સુધીના ૩૦૦ દિવસમાં ૩૪ અકસ્માત જ નોંધાયા છે. અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે પોલીસ દ્વારા અન્ય તંત્રની સાથે સંકલન સાધીને અનેક ફેરફાર કર્યા છે જેની સુખદ અસર પણ દેખાઈ રહી છે.
વળી, આ પોલીસ મથક હેઠળનો વિસ્તાર અન્ય પોલીસ મથકની તુલનાએ ઘણો જ વિશાળ' છે મતલબ કે આ પોલીસ મથકની હદ ઘણી લાંબી છે આમ છતાં પીઆઈ, ૭ પીઆઈ સહિત ૮૫ અધિકારી-જવાનોનો સ્ટાફ તેની સુરક્ષા કરવા માટે કાર્યરત રહે છે. આ વિસ્તારની હદ છેક હલેન્ડા સુધી હોવાને કારણે ત્યાં અકસ્માતની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે કેમ કે મહત્તમ વિસ્તાર હાઈ-વે ટચ છે. અન્ય ગુન્હાઓની વાત કરવામાં આવે તો ૩૦૦ દિવસની અંદર અહીં ત્રણ હત્યા થવા પામી છે જે ગુન્હાને અંજામ આપનારા આરોપીઓને પોલીસે દબોચી લીધા હતા.
આ ઉપરાંત ધમકીના અહીં ૧૮ ગુન્હા, અકસ્માતના ૩૪, દિવસે થયેલી ઘરફોડ ચોરીના બે, રાત્રે થયેલી ઘરફોડ ચોરીના ૧૦ ગુન્હા તો છેતરપિંડીના બે, વાહનચોરીના ૨૭, ચીલઝડપના બે, હત્યાની ખોશીના ત્રણ, દારૂની હેરાફેરીના ૨૯૩ ગુન્હા આજીડેમ પોલીસ મથકના ચોપડે નોંધાયેલા છે. એકંદરે અન્ય ગુન્હાઓ પ્રમાણે પણ આ પોલીસ મથકનેભારે’ ગણવામાં આવી રહ્યું છે.
જ્યાં કામ કરવું સૌથી `કપરું’ ગણાય છે તે પોલીસ મથકનું સુચારું સંચાલન કરવામાં પીઆઈ જાડેજા સક્સેસ
સામાન્ય રીતે આજીડેમ પોલીસ મથકમાં મહત્તમ ફરિયાદો પરપ્રાંતીયો તેમજ મજૂર વર્ગ સહિતનાની આવતી હોય અહીં કામ કરવું લગભગ દરેક પીઆઈ માટે કપરું બની જતું હોય છે. વળી, અહીં ગુન્હાને અંજામ આપ્યા બાદ ઘણાખરા પરપ્રાંતીયો પોતાના રાજ્યમાં નાસી જતાં હોવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. આ પોલીસ મથકનું સુચારું રૂપે સંચાલન કરવું દરેક પીઆઈ માટે એક ચેલેન્જ હોય છે આમ છતાં આ ચેલેન્જ સામે પીઆઈ એ.બી.જાડેજા સુચારું રૂપે કામ કરી રહ્યા છે સાથે સાથે સ્ટાફ પાસે સુવ્યવસ્થિત કામગીરી પણ કરાવી રહ્યા છે.
વેલડન: ટ્રસ્ટ બનાવી ૩૫ સીસીટીવી કેમેરા ફિટ કરાવ્યા
આજી ડેમ પોલીસ મથકના તત્કાલિન પીઆઈ વી.જે.ચાવડા દ્વારા એક નવતર અભિગમ અખત્યાર કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા ૨૦૨૨માં એક ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું જેને ત્રિનેત્ર સોસાયટી-રાજકોટ નામ આપવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટ હેઠળ લોકભાગીદારીથી જ્યાં સીસીટીવી કેમેરાની તાતી જરૂરિયાત હતી તેવી અલગ-અલગ જગ્યાએ ૩૫ જેટલા કેમેરા ફિટ કરાવ્યા હતા જે અત્યારે ગુન્હા ઉકેલવા માટે ઘણા બધા કારગત નિવડી રહ્યાનું પીઆઈ એ.બી.જાડેજાએ જણાવ્યું હતું.
શું કહે છે પીઆઈ એ.બી.જાડેજા
આજી ડેમ પોલીસ મથક એટલે શહેરનું એક એવું પોલીસ મથક જેનો મહત્તમ વિસ્તાર ગામડાઓ અને હાઈ-વેથી જોડાયેલો છે ત્યારે દિવાળીનો તહેવાર હોવાથી સ્વાભાવિક રીતે અહીં વાહનોની અવર-જવરમાં વધારો થશે. આ ઉપરાંત તહેવારો પર બંધ રહેલા મકાનોમાં ચોરી પણ થઈ રહી હોવાથી પોલીસ દ્વારા અત્યારથી જ તૈયારી કરી લેવામાં આવી છે. અહીં પરપ્રાંતીયોની સંખ્યા વધુ હોવાથી પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવે છે સાથે સાથે દરેકના આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ તપાસી બી.રોલ ફોર્મ એટલે કે શંકાસ્પદ વ્યક્તિની માહિતી તેના મુળ વતનમાં લાગુ પોલીસ મથકમાંથી મંગાવવામાં આવશે. આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાને કારણે દરેક કારખાનાના સીસીટીવી કેમેરા સુવ્યવસ્થિત કાર્યરત રહે તે માટે માલિકો તેમજ લાગુ લોકો સાથે બેઠક કરવામાં આવશે.
