જસદણથી મુંબઈ જતા દંપતીને અકસ્માત,પત્નીનું મોત
સાઢુભાઈની લૌકિક ક્રિયામાં આવેલ દંપતીની કાર બોટાદ પાસે ઝાડ સાથે અથડાઈ
સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધી માટે મુંબઈથી જસદણ આવેલ દંપતી પરત મુંબઈ જતું હતું ત્યારે બોટાદ નજીક રાણપુર-પાળીયાદ રોડ ઉપર અકસ્માત નડ્યો હતો કાર ચાલવતા પતિને ઝોકુ આવી જતા કાર ખાળીયામાં ખાબકયા બાદ ઝાડ સાથે અથડાતા પતિની નઝર સામે પત્નીનું મોત થયું હતું જયારે પતિને ઈજા થઇ હતી.
મુબંઈના રાજેશભાઈ મગનભાઈ પંડ્યા અને તેમની પત્નિ વિભાબેન રાજેશભાઈ પંડ્યા પોતાની મહિન્દ્રા એક્સયુવી કાર નંબર જિજે-૨૩-સીઈ-૩૫૪૭ લઈ જસદણ તેમના સાઢુભાઈનું અવસાન થતાં તેમની વિધીમાં આવ્યા હતા. જેઓ વિધી પતાવી પતિ-પત્ની પરત મુંબઈ જઇ રહ્યા હતા. તે દરમિયાન પાળીયાદ- રાણપુર રોડ ઉપર રાજપરા ગામના પાટિયા પાસે પહોચતાં ડ્રાઈવિંગ કરી રહેલા રાજેશભાઈને ઝોકું આવી જતાં કાર રોડ ઉપરથી ખાળીયામાં ઝાડ સાથે અથડાઇ હતી. અકસ્માતમાં પતિની નઝર સામે પત્નિ વિભાબેન પંડ્યાનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યુ હતુ. જ્યારે રાજેશભાઈને સામાન્ય ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મુંબઈ રહેતા રાજેશભાઈ પંડ્યા કર્મકાંડનો વ્યવસાય કરે છે.દંપતીને પરિવારમાં એક પુત્રી અને એક પુત્ર છે.પુત્રી સુરત સાસરે છે.જ્યારે પુત્ર મુંબઈમાં રહે છે. આ બનાવથી પરિવાર માં શોક વ્યાપી ગયો હતો.