શેરબજારમાં પૈસા ડૂબી જતાં યુવકે કરી આત્મહત્યા
કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં બાપા સીતારામ સોસાયટીનો બનાવ : 6.50 લાખનું દેવુ ચુકતે કર્યા બાદ પણ ટેન્શનમાં રહેતા યુવકે ભર્યું પગલુ
રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતા યુવકે શેરબજારમાં રૂ.6.50 લાખ ગુમાવતા દેવું થઈ ગયું હતું. જે દેવુ ભરપાઈ થઈ ગયા બાદ નાણા ગુમાવ્યાની ચિંતામાં તેને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
વિગત મુજબ રાજકોટમાં કોઠારીયા સોલ્વન્ટ વિસ્તારમાં આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતા અમિત મુકેશભાઈ ભટ્ટી નામના 28 વર્ષીય યુવાને પોતાના ઘરે હતો ત્યારે પંખાના હૂકમાં સાડી બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. પરિવાર ચોટીલા ગયો હતો.બાદમાં ઘરે આવતા પુત્રને લટકતી હાલતમાં જોઈ આઘાત લાગ્યો હતો.અને તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો.જ્યાં યુવકને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આ મામલે આજીડેમ પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક અમિત બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો અને અપરિણીત હોવાનું જાણવા મળ્યું હતું. અમિત પિતા સાથે હીરા ઘસી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. અમિતે શેરબજારમાં રૂ.6.50 લાખ ગુમાવ્યા બાદ દેવું થઈ ગયું હતું. જે ભરપાઈ કરી દીધા બાદ પણ ચિંતામાં આ પગલું ભર્યાનું ખૂલ્યું હતું.