પોલીસના ભયથી આપઘાત કરનાર વિદ્યાર્થીને IPS બનવાના કોડ હતા
શ્રમિક માતા-પિતાએ પેટે બાંધીને ભણાવ્યો હતો પરંતુ લલાટે જુદું જ લખ્યું હતું…!!
મૃતક ધ્રુવિલ વરુને નાનપણમાં આંચકી આવતી હોય તેને ઠીક કરવા માટે પિતા ભરતભાઈએ જમીન વેચીને સારવાર કરાવી’તી
મોટાવડાની સ્કૂલના શિક્ષકોએ આપેલી ધમકીથી ડરી ગયો હતો ધ્રુવિલ વરુ
મૃતકના કાકાએ શિક્ષકોને કાઢી મુકી ૧૦ વર્ષ સુધીની જેલસજા કરાવવા કરી માંગણી
રાજકોટની ભાગોળે લોધીકાના મોટાવડા ગામે સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ધો.૧૧માં અભ્યાસ કરતાં ધ્રુવિલ ભરતભાઈ વરુ નામના વિદ્યાર્થીએ શિક્ષકોના ત્રાસથી આપઘાત કરી લેતાં આખા ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ ઘટના બાદ તરેહ તરેહની ચર્ચાઓ ચાલી રહી છે જે દરમિયાન એક મોટો ખુલાસો થયો છે. મૃતક ધ્રુવિલ કે જેણે પોલીસના ડરથી આપઘાત કરી લીધો હતો તેને મોટા થઈને આઈપીએસ બનવાનું સ્વપ્ન હતું ! ધ્રુવિલ ભણવામાં એકદમ હોંશિયાર હોવાથી તેના શ્રમિક માતા-પિતાએ પેટે પાટા બાંધીને ભણાવ્યો હતો પરંતુ લલાટે કંઈક જૂદું જ લખ્યું હોય તેવી રીતે ધ્રુવિલે કટાણે દુનિયામાંથી વિદાય લઈ લેતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે. અમારી એક જ માંગણી છે કે ધ્રુવિલને આપઘાત સુધી દોરી જવા બદલ શિક્ષકોને કાઢી મુકી ૧૦ વર્ષ સુધીની સજા થવી જોઈએ.
આ અંગે મૃતક ધ્રુવિલના કાકા રાજુભાઈ ઉર્ફે રાજેશભાઈ ડુંગરભાઈ વરુએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું કે ધ્રુવિલ ધો.૭માં અભ્યાસ કરતો હતો ત્યારે તેને વારંવાર આંચકી આવી જતી હોવાથી માતા-પિતા ગભરાઈ ગયા હતા. આ પછી સારવાર માટે તબીબને બતાવતાં મોટો ખર્ચ થાય તેમ હોવાથી ભરતભાઈએ બે વિઘા જમીન ૧૨ લાખ રૂપિયામાં વેચી નાખી હતી અને તેમાંથી ધ્રુવિલની સારવાર કરાવીને તેને સાજો કરી દીધો હતો. આ પછી ધ્રુવિલે પાછળ વળીને જોયું ન્હોતું અને અભ્યાસમાં અવ્વલ આવવા માટે રાત-દિવસ એક કરી દીધા હતા.
તેમણે ઉમેર્યું કે ધ્રુવિલના પિતા ભરતભાઈ દૂધનો વ્યવસાય કરે છે અને ઢોરઢાંખર ચરાવવાનું કામ કરે છે. ધ્રુવિલે કહ્યું હતું કે તે પોતાના ગામ છાપરાથી દરરોજ બસ મારફતે મોટાવડા સ્કૂલ ખાતે જતો હતો. ઘટનાના દિવસે ધ્રુવિલે પેપર પૂર્ણ કર્યા બાદ બસમાં બેસી છાપરા ગામ આવવા માટે રવાના થયો હતો ત્યારે શિક્ષકો દ્વારા બસ રોકાવી ધ્રુવિલને નીચે ઉતારવામાં આવ્યો હતો. આ પછી ૩૦ મિનિટની અંદર ફરીથી તેની પાસે પેપર લખાવ્યું હતું. આ ઉપરાંત તેને દમદાટી મારી પોલીસ કેસની ધમકી આપતાં તે એકદમ હેબતાઈ ગયો હતો અને આ અંગે તેણે કોઈને પણ વાત કરી ન્હોતી નહીંતર અમે આ બનાવ બનવા દીધો ન હોત…
એ દિવસે શું બન્યું હતું ?
મૃતક ધ્રુવિલના કાકા રાજુભાઈ વરુએ કહ્યું કે જ્યારે આ બનાવ બન્યો એ દિવસ મતલબ કે શનિવારે બપોરે ૧ વાગ્યે ધ્રુવિલ મારા ઘેર આવ્યો હતો. મારા ઘેર પુત્રજન્મ થયો હોવાથી અમે એક જમણવાર રાખ્યો હતો. અહીં જમીને ધ્રુવિલ પોતાના ઘેર ચાલ્યો ગયો હતો. આ સમયે તેના માતા-પિતા ઢોર ચરાવવા ગયા હોવાથી ધ્રુવિલ એકલો જ હતો એટલા માટે તેણે પોલીસકેસ થવાની બીકે પહેલાં સ્યુસાઈડ નોટ લખી અને પછી વીડિયો બનાવ્યો હતો અને ત્યારબાદ ગળેફાંસો ખાઈ લીધો હતો. અમે બપોરે ૨:૩૦ વાગ્યે જ્યારે ઘેર ગયા ત્યારે ધ્રુવિલ લટકતો જોવા મળ્યો હતો !!
પોલીસને જોઈને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ સચિન થઈ ગયો બેભાન…!
એક કુમળી વયના બાળકે શિક્ષકની ધમકીથી ડરી જઈને આપઘાત કરી લીધાની સનસનાટીજનક ઘટના બાદ સ્યુસાઈડ નોટમાં મૃતક ધ્રુવિલે જેના પર આક્ષેપો કર્યા હતા તે મોટાવડાની શાળાના ઈન્ચાિર્જ પ્રિન્સીપાલ સચિનનું નિવેદન લેવા માટે જ્યારે પોલીસ પહોંચી ત્યારે ગભરાઈને તે બેભાન થઈ જતાં તેને હોસ્પિટલે ખસેડવો પડ્યો હતો. આ ઘટના પ્રકાશમાં આવ્યા બાદ સચિને ખાવાપીવાનું બંધ કરી દેતાં તેની હાલત બગડી હતી. જો કે સમયસર સારવાર મળી જતાં તે એકદમ ઠીક થઈ ગયો હતો અને ત્યારબાદ પોલીસે તેનું નિવેદન નોંધ્યું હતું.
ચારેય શિક્ષકોએ નિવેદનમાં શું કહ્યું ?
આપઘાતની ઘટના બાદ મેટોડા પોલીસ દ્વારા મોટાવડાની શાળાના ઈન્ચાર્જ પ્રિન્સીપાલ તેમજ ત્રણ શિક્ષકોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. ઈન્ચાર્જ પ્રિન્સીપાલ સચિન તેમજ ત્રણ શિક્ષક મૌસમી ઉપરાંત વિભૂતિ અને સોલંકીના નિવેદન લીધા હતા. નિવેદનમાં આ લોકોએ એમ કહ્યું હતું કે ધ્રુવિલ ભણવામાં એકદમ હોંશિયાર હોવાથી તેને ક્લાસનો મોનિટર બનાવવામાં આવ્યો હતો. મોનિટર હોવાને નાતે તેને ઓફિસમાં અવર-જવર કરવાની છૂટ હોય છે. દરમિયાન સ્કૂલની પરીક્ષા લેવામાં આવી હોય તેમાં ધ્રુવિલ સહિત તમામ વિદ્યાર્થીઓએ પેપર લખ્યું હતું. જો કે અમને એવી શંકા ગઈ હતી કે ધ્રુવિલે પેપર બદલાવી નાખ્યું છે. આ આધારે અમે તેમને ઓફિસમાં બોલાવ્યો હતો જ્યાં તેણે એમ કહ્યું હતું કે લાવો, હું ફરીથી પેપર લખી દઉં. આ પછી ૧૫ મિનિટમાં તેણે પેપર લખી પણ આપ્યું હતું. ત્યારબાદ અમે તેને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ સચિનનું ઓફિસમાં લઈ ગયા હતા જ્યાં સચિને ધ્રુવિલ પાસે તેના પિતાનો ફોન નંબર માગ્યો હતો. નંબર ઉપર ફોન કરવામાં આવતાં સ્વીચ ઓફ આવ્યો હોવાથી ધ્રુવિલને કહ્યું હતું કે સોમવારે તે તેના પિતાને શાળાએ લાવે. ધ્રુવિલે અગાઉ પણ પેપરમાં છેડછાડ કર્યાની શંકા શિક્ષકોએ પોતાના નિવેદનમાં વ્યક્ત કરી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.