પ્રેમ મંદિર પાસે બાલાજી છોલે રાઈસ કુલ્ચામાં વાસી વાનગીનો મળ્યો ભંડાર
ત્યાં ઉભેલી દરેક રેંકડીમાંથી વાસી, અખાદ્ય વસ્તુ પકડાતાં સ્થળ પર જ નાશ
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા કાલાવડ રોડ પર પ્રેમ મંદિર સામે ઉભી રહેતી ખાણીપીણીની રેંકડીઓમાં ચેકિંગ કરતાં લગભગ દરેક રેંકડીમાંથી વાસી વાનગીનો ભંડાર મળી આવ્યો હતો. પ્રેમ મંદિર સામે બાલાજી છોલે રાઈસ કુલ્ચામાંથી અખાદ્ય ઘૂઘરા, સમોસાની ચટણી મળી ૧૨ કિલો વાસી જથ્થો મળી આવ્યો હતો. આ જ રીતે એ.જી.ચોક પાસે ક્રિસ્ટલ સ્કૂલ નજીક હરિકૃષ્ણ દાળ પકવાનમાંથી અખાદ્ય ભૂંગળા બટેટાનો પાંચ કિલો મસાલો, ૨ કિલો ભૂંગળશ, બે કિલો ચટણી મળી ૯ કિલો જથ્થો, પ્રેમ મંદિર સામે બાલાજી સાઉથ ઈન્ડિયનમાંથી ચટણી, દાળવડા, મેંદુવડા ૭ કિલો, હરસિદ્ધિ વડાપાંઉમાંથી પાંચ કિલો બટેટાનો મસાલો-ચટણી, શિવમ મદ્રાસ કાફેમાંથી ચાર કિલો જથ્થો મળી આવતાં નાશ કરી તમામને નોટિસ ફટકારાઈ હતી.