રાજકોટ તારા ! વન્યપ્રાણીઓ માટે રાજકોટની ભાગોળે બનશે રેસ્ક્યુ સેન્ટર
સિંહ, દીપડા, ચિંકારા ઝરખ જેવા વન્યપ્રાણીઓને તાત્કાલિક સારવાર માટે લાલપરી-રાંદરડા નજીક વનવિભાગ દ્વારા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ
રાજકોટ : રિલાયન્સ કંપની દ્વારા જામનગર નજીક વન્યપ્રાણીઓના રેસ્ક્યુ માટે બનાવવામાં આવેલા વનતારા પ્રોજેક્ટની જેમ જ રાજકોટ નજીક રાજકોટ તારા આકાર લઈ રહ્યું છે. ગીરના ડાલામથ્થા સાવજો વર્ષમાં બે ચાર વખત રાજકોટ જિલ્લામાં આંટાફેરા કરી જતા હોવાની સાથે રાજકોટ જિલ્લામાં દીપડા દેખાવાના અનેક કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે ત્યારે રાજકોટની સાથે આજુબાજુના જિલ્લાના વન્યપ્રાણીઓને અકસ્માત કે અન્ય કોઈ કિસ્સામાં રેસ્ક્યુ કરવાની જરૂરત પડે ત્યારે દૂરના સ્થળે પ્રાણીઓને લઈ જવા પડતા હોય આ સમસ્યાના સમાધાન માટે સરકારના વનવિભાગ દ્વારા રાજકોટની ભાગોળે લાલપરી – રાંદરડા નજીક અદ્યતન રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવી રહ્યું છે.
અગાઉ રાજકોટ જિલ્લામાં આવતા અને હાલમાં મોરબી જિલ્લામાં આવેલ રામપરા વીડીમાં લાયન જિન પુલ પ્રોજેક્ટ સફળતા પૂર્વક સાકાર થતા હવે વનવિભાગ દ્વારા રાજકોટની ભાગોળે આવેલ લાલપરી -રાંદરડા તળાવ વિસ્તારમાં વન્યપ્રાણીઓ માટે ખાસ રેસ્ક્યુ સેન્ટર બનાવવામાં આવી રહ્યું હોવાનું ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ મોરબી અને રાજકોટના વડા ચિરાગ અમીને જણાવ્યું હતું. ખાસ કરીને રાજકોટની ભાગોળે સરકારમાંથી વનવિભાગને જમીંન ફાળવણી થઇ ગઈ હોય અહીં હાલના તબક્કે વન્યજીવો માટે કવીક રિસ્પોન્સ સેન્ટર નિર્માણ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લામાં છેલ્લા વર્ષોમાં દીપડાઓની વસ્તી પણ નોંધપાત્ર રીતે વધી છે ઉપરાંત દરવર્ષે પાંચથી છ જેટલા સિંહો પણ નિયમિત રીતે રાજકોટ જિલ્લામાં ગોંડલ અને જેતપુર તાલુકાઓમાં આંટાફેરા કરતા હોય છે ત્યારે કોઈપણ આકસ્મિક ઘટના સમયે બહુમૂલ્ય વન્યજીવોને બચાવી શકાય તે માટે આ રેસ્ક્યુ સેન્ટર કાર્યાન્વિત કરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. બીજી તરફ રાજકોટ તારા કહી શકાય તેવા વન્યપ્રાણીઓ માટેના રાજકોટ રેસ્ક્યુ સેન્ટરમાં રાજકોટ ઉપરાંત આજુબાજુના જિલ્લામાંથી પણ વન્યપ્રાણીઓને બચાવવા માટે સેન્ટરમાં એમ્બ્યુલન્સ તેમજ અન્ય સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવશે.
રામપરા જીનપુલમાં 18 સાવજ
રાજકોટના પૂર્વ કલેકટર દ્વારા વર્ષ 1988થી રક્ષિત જાહેર થયેલ વાંકાનેરની રામપરા વીડીમાં વર્ષ 2011થી લાયન જીનપુલ પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા બાદ આ પ્રોજેક્ટ ખુબ જ સફળ રહ્યો છે હાલમાં અહીં 11 મોટા અને 7 સિંહબાળ વિહરી રહ્યા છે સાથે જ રામપરા વીડીમાં ઝરખ, શિયાળ, વરુ, ચિતલ, દીપડા, ચિંકારા, નિલગાય તેમજ અનેક પક્ષીઓનો વસવાટ છે.