સાંઢિયા પૂલ પર થાંભલાએ સર્જી મોકાણ !!
રવિવારે રાત્રે જામનગર રોડ પરથી પુલ ચડવાનો થાંભલો તૂટી પડતાં હવે ભારે વાહનો ચડી તો જાય છે, બીજા છેડે થાંભલો હોવાથી બહાર નીકળી શકતાં ન હોવાથી દરરોજ થઈ રહ્યો ટ્રાફિકજામ: તાત્કાલિક નવો થાંભલો લગાવાય તો જ સ્થિતિ સુધરે
પેટા: ખાસ કરીને રાત્રીના સમયે મોટા વાહનો ફસાઈ જતાં હોય લોકોએ તો ઠીક એમ્બ્યુલન્સે પણ જામમાં ફસાવું પડે છે: મનપા-પોલીસ તંત્ર તાકિદે જાગે તે જરૂરી
રાજકોટનો વર્ષો જૂનો સાંઢિયો પુલ નબળો પડી ગયો હોવાનો રિપોર્ટ આવતાં જ અહીં ભારે વાહનોની પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી હતી. જો કે કાગળ પર રહેલી પ્રવેશબંધીની કોઈ જ અસર થઈ રહી ન હોવાને કારણે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી પુલના બન્ને છેડે થાંભલા લગાવી દેવાયા હતા જેના કારણે પુલ પર ભારે વાહનો પ્રવેશ કરી શકતાં જ ન્હોતા અને ટુ-વ્હીલર તેમજ ફોર-વ્હીલરની અવર-જવર સરળતાથી થઈ રહી હતી. જો કે ગત રવિવારે માલવાહક બોલરો થાંભલા સાથે અથડાતાં થાંભલો ધરાશાયી થઈ ગયો હતો જે તૂટી પડ્યાને ચાર-ચાર દિવસ વીતી ગયા છતાં હજુ સુધી થાંભલો લગાવવામાં આવ્યો ન હોવાથી દરરોજ ટ્રાફિકજામના વરવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
અહીંથી દરરોજ પસાર થઈ રહેલા વાહનચાલકોનું કહેવું છે કે જામનગર રોડ પરથી આવનારું મોટું વાહન જ્યારે પુલ નજીક પહોંચે એટલે તેને કોઈ જ પ્રકારનો થાંભલો ન હોવાને કારણે અહીં ભારે વાહનો માટે રસ્તો ખુલ્લો કરી દેવાયો હોવાનું માનીને પોતાનું મહાકાય વાહન પુલ પર ચડાવી દે છે. જો કે પુલ ચડતી વખતે તેને પુલના સામે છેડે થાંભલો હોવાનું દેખાતું હોતું નથી એટલા માટે તે બીજા છેડે પહોંચે એટલે તેનું વાહન બહાર નીકળી શકતું નથી અને ફસાઈ જાય છે જેના કારણે મોટા વાહનની પાછળ આવનારા નાના વાહનો થોડી જ વારમાં પુલ પર એકઠા થઈ જાય છે જેના પરિણામે ટ્રાફિકજામ થઈ જાય છે.
એકંદરે હવે તાકિદે અહીં થાંભલો ફિટ કરવામાં આવે તો જ મોટા વાહનોની અવર-જવર અટકી શકશે અન્યથા દરરોજ આ સમસ્યા વકરતી જ રહેવાની છે. બીજું એ કે જે પ્રકારે સાંઢિયા પુલનું નિર્માણ કરાયું છે તેમાં ટેક્નીકલ ફોલ્ટ હોવાથી થાંભલો હોવાને કારણે પણ અમુક વાહન જામનગર રોડ પરથી પુલ પર પ્રવેશી જાય છે પરંતુ જેવું બીજા છેડે પહોંચે એટલે જરા અમથી જગ્યા ન બચતી હોવાથી ફસાઈ જાય છે એટલા માટે થાંભલો લગાવ્યા બાદ પણ સમસ્યા અટકે તેવું લોકોને લાગી રહ્યું નથી પરંતુ જો થાંભલો હશે તો મોટું વાહન ત્યાં પ્રવેશ કરશે જ નહીં તે વાત નિશ્ચિત છે. ખાસ કરીને સાંજે ૭થી ૯ વચ્ચેના સમયમાં અહીં ભારે મુશ્કેલી સર્જાઈ રહી છે.