એઇમ્સ ચાલુ થાય પછી સિવિલને મીની એઇમ્સ બનાવવાની નેમ
દર્દીમાં મને `આત્મજન’ દેખાય છે, કોઈને બહારગામ ન જવું પડે તેવી સિવિલ બનાવવાનું સપનુ
એઈમ્સ તૈયાર થઈ ગયા બાદ સિવિલનું મહત્ત્વ ઘટી જશે તેવું માનવાને કોઈ કારણ નથી કેમ કે સિવિલ પણ રોજ-બરોજ `અપગ્રેડ’ થતી જ રહેવાની છે
રાજકોટમાં અત્યારે એક-એકથી ચડિયાતી ખાનગી હોસ્પિટલો કાર્યરત છે પરંતુ હજુ પણ જ્યારે કોઈને ઈમરજન્સી આવે એટલે સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જવાનો આગ્રહ રાખે છે ! દસમાંથી છ લોકો આવા હોય છે જેઓને સૌથી વધુ ભરોસો સિવિલ હોસ્પિટલ પર જ હોય છે એટલા માટે જ રાજકોટની સિવિલમાં રાજકોટ જ નહીં બલ્કે સૌરાષ્ટ્ર આખામાંથી દર્દી સારવાર માટે આવી રહ્યા છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સિવિલને કાબીલેદાદ' બનાવવાની જવાબદારી જેમના હાથમાં છે તેવા અધિક્ષક ડૉ.આર.એસ.ત્રિવેદીએ
વોઈસ ઓફ ડે’ને ભારપૂર્વક જણાવ્યું કે સિવિલમાં સારવાર માટે આવતા દરેક દર્દીમાં મને મારું આત્મજન' મતલબ કે પરિવારજનક દેખાય છે એટલા માટે જ અહીં કોઈને પણ નાની-મોટી તકલીફ ન પડે તેનું ધ્યાન હોસ્પિટલનો સ્ટાફ (પરિવાર) રાખી રહ્યો છે. ડૉ.આર.એસ.ત્રિવેદી આગળ જણાવે છે કે સિવિલમાં દરરોજ ૪૦૦૦થી વધુ ઓપીડી અને ૮૦૦થી વધુ આઈપીડી નોંધાઈ રહી છે. ખાસ કરીને અમારો લક્ષ્યાંક અહીં દાખલ દર્દીને અમદાવાદ કે અન્ય શહેરમાં ખસેડવું ન પડે મતલબ કે
૦’ રેફર થાય તેવો છે. આ લક્ષ્યાંક હાંસલ કરવા માટે સિવિલમાં દરેક પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ હોવી જરૂરી છે એટલા માટે જ અમે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. અહીં દરરોજ દિવસ ઉગે એટલે એક પડકાર ઉભો હોય છે પરંતુ અમે પડકારને `અવસર’માં પલટીને કામ કરી રહ્યા છીએ. તમારા જીવનની સૌથી કપરી ક્ષણ કઈ ? આ પ્રશ્નનો જરા અમથો વિલંબ કર્યા જવાબ આપતાં ડૉ.ત્રિવેદીએ કહ્યું કે કોરોનાકાળ…! જોગાનુજોગ સિવિલ અધિક્ષક તરીકેની જવાબદારી પણ તેમને ત્યારે જ મળી હતી.

તેમણે ભારપૂર્વક કહ્યું કે રાજકોટમાં એઈમ્સ નિર્માણ પામી રહી છે અને સંભવત: આવતા મહિનાથી દર્દીઓને ત્યાં દાખલ કરવાનું શરૂ કરવામાં આવનાર છે ત્યારે એઈમ્સ કાર્યરત થયા બાદ સિવિલનું મહત્ત્વ ઘટી જશે તેવું માનવાને કોઈ સ્થાન નથી કેમ કે જેમ જેમ એઈમ્સનું કામ આગળ વધતું જશે તેમ તેમ સિવિલ હોસ્પિટલ પણ અપગ્રેડ થતી જશે મતલબ કે અહીં પણ સુવિધાઓમાં વધારો થતો રહેવાનો છે. એવું પણ બની શકે કે એઈમ્સ તૈયાર થાય ત્યાં સુધીમાં આપણી સિવિલ મિનિ એઈમ્સ બની ગઈ હશે !!
ડૉ.ત્રિવેદીનો ટૂંકો પરિચય
- જામનગરની સેન્ટ ઝેવિયર્સમાં સ્કૂલિંગ
- ૧૯૯૮માં એમ.પી.શાહ કોલેજ (જામનગર)માં એમબીબીએસ પૂર્ણ કર્યું
- જામનગરમાં જ એમ.ડી. પૂર્ણ કર્યું
- ટ્યુટર, મદદનીશ પ્રાધ્યાપક, સહપ્રાધ્યાપક સહિતની જવાબદારી મળી
- ૨૦૧૩માં હેડ ઓફ ડિપાર્ટમેન્ટના પ્રમોશન સાથે રાજકોટ મુકાયા
- હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે રાજકોટ સિવિલમાં ફિઝિયોલોજી વિભાગમાં નિમણૂક
- ૨૦૧૫માં રાજકોટમાં પ્રાધ્યાપક (પ્રોફેસર) બન્યા
- ૨૦૨૦માં એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટની જવાબદારી મળી
- ૨૦૨૧-ફેબ્રુઆરીથી સિવિલ અધિક્ષક તરીકે કાર્યરત
આર્મી ઓફિસર પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાનો આનંદ
ડૉ.ત્રિવેદીએ જણાવ્યું કે તેમના પિતા શ્રીરાજબલ્લી ત્રિવેદી કે જે આર્મી ઓફિસર તરીકે જામનગરમાં કાર્યરત હતા તેમનું સ્વપ્ન હતું કે હું ડૉક્ટર બની લોકોની સેવા કરું. પિતાના આ સ્વપ્નને પૂર્ણ કરવા માટે આર.એસ.ત્રિવેદીએ દિવસ-રાત જોયા વગર મહેનત શરૂ કરી દીધી હતી તેમાં સફળતા મેળવી આખરે આ મુકામ હાંસલ કર્યો છે.
…અને એ દર્દી સાથે હું પણ રડી પડ્યો !!
પોતાના જીવનની ક્યારેય ન ભૂલી શકાય તેવી ક્ષણ પર પ્રકાશ પાડતાં ડૉ.ત્રિવેદીએ કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં ૧૭ વર્ષની એક દીકરીનો રડતાં રડતા ફોન આવ્યો જેમાં તેણે કહ્યું કે સર, મારા પપ્પા કોરોનાગ્રસ્ત છે અને તેઓની હાલત ખૂબ જ ગંભીર છે. જો આજે તેમને સારવાર માટે બેડ નહીં મળે તો તેઓ બચી શકશે નહીં. આ એ સમય હતો જ્યારે સિવિલમાં દાખલ થવા માટે લાઈન લાગતી હતી એટલા માટે બેડ મળવો કપરું કામ હતું. જો કે અનેક પ્રયત્ન કર્યા બાદ આખરે દીકરીના પિતાને બેડ અપાવ્યો હતો. આ પછી એ દીકરી રડતાં રડતાં મારી પાસે આવીને કહે છે કે સર, તમારા કારણે મારા પપ્પાનો જીવ બચી શક્યો છે એટલા માટે તમે હંમેશ માટે મારા `ભગવાન’ રહેશે…આ સાંભળી હું પણ રડી પડ્યો હતો !!
રાજકોટમાં સૌથી ગમતી વસ્તુ અહીંનું ગુજરાતી ભોજન
ડૉ.ત્રિવેદી જણાવે છે કે તેમને રાજકોટનું ગુજરાતી ભોજન બહુ જ પસંદ છે. અત્યારે તેઓ પત્ની કે જેઓ શિક્ષિકા છે તેમની સાથે બન્ને પુત્રીઓ કે જે ડૉક્ટર બનવાની તૈયારી કરી રહી છે તેમની સાથે રહે છે. આ ઉપરાંત તેમને અહીંની નાઈટ લાઈફ ખૂબ જ પસંદ છે અને હજુ પણ તેઓ રાત્રે એકાદ વાગ્યે પણ ફરવા નીકળે છે !
હોસ્પિટલમાં લોકો જ્યાં ત્યાં પાન-ફાકીની પીચકારી મારે છે તે જરાય નથી ગમતું !
રાજકોટમાં ડૉ.ત્રિવેદીને જો કોઈ વસ્તુ ન ગમતી હોય તો તે સિવિલ હોસ્પિટલમાં દર્દીના પરિવારજનો દ્વારા જ્યાં ત્યાં પાન-ફાકીની પીચકારી મારી ગંદકી ફેલાવાઈ રહ્યાની છે. અહીંના લોકો ખૂબ જ પાન-ફાકી ખાઈ રહ્યા છે જે નુકસાનકારક છે પરંતુ પીચકારી મારવાને કારણે રોગચાળો વધે છે અને ગંદકીને સાફ કરવી સ્ટાફ માટે પડકાર બની જાય છે.