રાજકોટ જિલ્લામાં ચોરી કરતી ટોળકી પકડાઈ
રૂ.6.35 લાખનો મુદ્દામાલ કબજે,ગ્રામ્ય એલસીબીની કામગીરી
ગોંડલ પંથકમાં ચોરી કરતી તસ્કર ટોળકીને ગ્રામ્ય એલસીબીએ ઝડપી લઈ રોકડ, દાગીના, મોબાઈલ, બાઈક, ચોરીમાં ઉપયોગ લેવાયેલ સાધનો મળી કુલ રૂ. 6,35,760 /- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
ગોંડલ અને આટકોટ ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરફોડ ચોરીની ઘટનાઓ બની રહી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબીએ બાતમીના આધારે ઘરફોડ ચોરીના ગુન્હાને અંજામ આપનાર અજય ઉર્ફે બોળીયો ઝાપડીયા, ચંદુ પરમાર અને ભરત પરમારની ધરપકડ કરી હતી. આ ત્રણેય શખ્સોએ સાથે મળીને આટકોટના સાંણથલી ગામે રૂ.8.03લાખની ચોરી કરી હતી. તેમજ ત્રણેય ગ્રામ્ય વિસ્તારમાં બંધ મકાનને ટાર્ગેટ કરતા હતા. પકડાયેલ અજય,ચંદુ અને ભરત વિરુદ્ધ ગોંડલ, વીંછીયા, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર જિલ્લામાં પણ ગુના નોંધાયા છે. એલસીબીની પુછપરછ કરતા પાંચવડા ગામે, સાણથલી ગામે, મોટી ખીલોરી ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુન્હાની કબુલાત આપેલ છે. આમ ત્રણ ઘરફોડ ચોરીનાભેદ ખૂલ્યા હતા.
રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહરાઠોડની સૂચનાથી એલસીબીના પી. આઈ વી.વી.ઓડેદરા,પીએસઆઈ એચ.સી.ગોહિલ, પીએસઆઈ ડી.જી.બડવા સાથે એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમીતસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, બાલકૃષ્ણ ત્રીવેદી સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.