જુના માર્કેટિંગ યાર્ડમાં સરકારી મગફળીના જથ્થામાં આગ ભભૂકી
2000થી વધારે ખાલી બારદાન અને 100 થી વધુ મગફળીના બચકા બળીને ખાખ : શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન : લાખોનું નુકશાન,કોઈ જાનહાનિ નહીં
રાજકોટમાં જૂના માર્કેટિંગ યાર્ડમાં સરકારી મગફળીનો જથ્થો પડ્યો હતો. તેમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી જવા પામી હતી.અને અલગ અલગ સ્ટેશનોથી 5 જેટલા ફાયર ફાઇટરો અને ટીમ મોકલવામાં આવી હતી.અને સતત પાણીનો મારો ચલાવી ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ આરટીઓ પાસે આવેલ જુના માર્કેટિંગ યાર્ડમાં સરકારી મગફળી ના બચકા અને બારદાનમાં આગ લગતા અફડાતફડી મચી જવા પામી હતી.અને કોઈ સ્થાનિક દ્વારા ઘટનાની જાણ ફાયરની ટીમને કરતાં 5 ફાયર ફાઇટરો સાથે જવાનો દોડી આવ્યા હતા.તેમજ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સતત પાણીનો મારો ચલાવીને ત્રણ કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.પરંતુ આ આગની ઘટનામાં 2000થી વધારે ખાલી બારદાન અને 100 થી વધુ મગફળી ના બચકા બળીને ખાખ થયા હતા.જ્યારે આગ સેડમાં રહેલા વાયરિંગમાં શોર્ટ સર્કિટ થતાં લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હતું.અને લાખોનું નુકશાન થયાનું ફાયરના જવાનોએ જણાવ્યું હતું.જોકે આગ લાગી ત્યારે મજૂરો સેડમાં ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. ઉલ્લેખનીય છે કે, પડધરી પાસે ઉકરડા-નેકનામ રોડ પર આવેલ 6 વીઘામાં ફેલાયેલી સહારા યુનાઈટ પ્લાસ્ટિક કંપનીમાં વિકરાળ આગ લાગી હતી.અને તે 24 કલાક બાદ કાબૂમાં આવી હતી.જેમાં કરોડોનું નુકશાન થયું હતું.