રાજકોટ એસ.ટી.બસપોર્ટમાં મહિલા મુસાફરની પ્રસુતિ કરાઈ
મહિલાને પરિવાર સાથે છોટાઉદેપુર જવા બસપોર્ટ પર પહોંચી ત્યારે પેટમાં દુઃખાવો ઉપાડતા તાકીદે ડિલિવરી કરવામાં આવી : પુત્ર અને માતા બંને સ્વસ્થ
રાજકોટ એસ.ટી.બસપોર્ટમાં એક મહિલા મુસાફરને પ્રસૂતિની પીડા ઉપડતા 108 એમ્બ્યુલન્સ બોલાવાઇ હતી. બસ પોર્ટમાં કોઇ જ મેડિકલ સુવિધા ન હતી, જેથી તુરંત 108 બોલાવાઈ હતી અને 108 આવે ત્યાં સુધી અન્ય મહિલા મુસાફરોએ ફરતે ચાદર રાખી ઉભી રહી હતી.બાદમાં મહિલા મુસાફરની નોર્મલ પ્રસૂતિ થઇ હતી અને તેને પુત્રને જન્મ આપ્યો હતો.

વધુ વિગત મુજબ રાજકોટ એસટી બસમાં સાવિત્રીબેન સતાપ નામની મહિલા મુસાફર જે લોધિકા તાલુકામાં ખેતી કામ કરતા હોય તે પોતાના વતન છોટાઉદેપુર તરફ જતા હતા ત્યારે એસ.ટી બસપોર્ટના પ્લેટફોર્મ નં.ર ઉપર તેણીને એકાએક પેટમાં દુઃખાવો ઉપડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. દરમિયાન એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી આ મહિલા મુસાફરને ફરજ એસટી બસપોર્ટ ઉપર કોન્ટ્રાક્ટ બેઝથી કામ કરતા મહિલા કામદારોએ ચાદરો મંગાવી કામચલાઉ પ્રસુતા ગૃહ ઊભું કરી નાખ્યું હતું ત્યાં સુધીમાં તો બાજુમાં જ રહેલી રાજકોટ મહાપાલિકા કચેરીમાંથી 108 પણ આવી પહોંચી હતી અને સફળતા પૂર્વક મહિલાની પ્રસુતિ કરાવી હતી,નોર્મલ પ્રસુતિ થયા બાદ પ્રસૂતા અને નવજાત શિશુને ઝનાના હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.હાલ પુત્ર અને માતાની તબિયત એકદમ સ્વસ્થ હોવાનું અને સિવિલના તબીબોએ જણાવ્યું હતું.
