રાજકોટમાં 6 વર્ષથી ધમધમતી નકલી શાળા પકડાઈ
ગુજરાતમાં નકલીનો કારોબાર યથાવત
શિક્ષણ વિભાગની માન્યતા વગર પિપળિયા ગામમાં દંપતીએ ચાર દુકાનમાં ધો.1થી 10ની ગૌરી પ્રિ-પ્રાઈમરી શાળા શરૂ કરી દીધી
વાલીઓને લિવિંગ સર્ટિફિકેટ ન આપતા તાલુકા પ્રમુખને જાણ કરી અને ચેકિંગમાં નકલી શાળાનો ભાંડો ફૂટ્યો : કુવાડવા પોલીસ અને શિક્ષક વિભાગ દ્વારા પુરાવા એકઠા કરી ગુનો નોંધાયો

ગુજરાતમાં નકલીનો કારોબાર હવે બેરોકટોક ધમધમવા લાગ્યો છે. નકલી IPS અધિકારી હોય કે નકલી ટોલનાકું કે નકલી કચેરી કે નકલી ઘી, દૂધ કે અન્ય કોઈ પણ વસ્તુ નકલી બાબતે ગુજરાત હવે લાંબી દોટ મૂકી છે. ગુજરાતમાં નકલીનો રાફડો ફાટ્યો છે, જ્યારે હવે રાજકોટમાંથી હવે એક નકલી શાળા પકડાઈ છે. છેલ્લા છ વર્ષથી એમપીનું સંચાલક દંપતી કોઈ પણ માન્યતા વગર આ શાળાને ધમધમાવી રહ્યું હતું. જ્યારે વાલીઓએ તેના સંતાનોનું લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે ગયું ત્યારે તેમણે સંચલકો દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું ન હતું. જેથી વાલીઓને તાલુકા પ્રમુખને આવેદન આવતા આ મામલો બહાર આવ્યો હતો. અને તાલુકા શિક્ષણઅધિકારી દ્વારા આ શાળાને સીલ મારી દીધું હતું. અને આ મામલે કુવાડવા પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી છે.

રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ ‘વોઇસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના પિપળિયા ગામમાં નવીનનગરમાં આવેલી ગૌરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલમાં એક વિદ્યાર્થીને લિવિંગ સર્ટિફિકેટ આપતા ન હતા. આ પ્રકારની ફરિયાદ વાલીઓ દ્વારા તાલુકા પ્રમુખ કેતનભાઈ કથીરિયાને મળતા તેઓ ટીમ સાથે તપાસ માટે શાળા પર પહોંચ્યા હતા. અને અહીના શાળા સંચાલક સંદીપ તિવારી અને કાત્યાની તિવારી પાસે શાળાની માન્યતાને લગતા કાગળો માંગવામાં આવતા તેઓ પ્રથમ કાગળો આપવાની ના પડી હતી. અને બોલાચાલી કરી હતી. જેથી ઘટનાની જાણ કુવાડવા પોલીસને કરતાં તેઓ દોડી આવ્યા હતા. અને પોલીસને સાથે રાખી અધિકારીઓ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે,વર્ષ 2019થી અત્યાર સુધી એટલે કે છ વર્ષથી કોઈ કાગળો કે માન્યતા વગર આ બોગસ સ્કૂલ ધમધમતી હતી.

જ્યારે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ વધુ તપાસ કરતાં શાળામાંથી 1 થી 10 ધોરણના કુલ 29 વિદ્યાર્થીઓ મળી આવ્યા હતા. અને ઓફિસોમાંથી રાજકોટની ત્રણ ખાનગી શાળાઓના સર્ટિફિકેટ પણ મળ્યા હતા.જ્યારે હાલ તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેઓને પિપળિયાની પ્રાથમિક શાળામાં એડમિશન આપવામાં આવવાનું છે. જ્યારે અધિકારીઓને અહી શાળાનું સંચાલન કરતાં દંપતીના નામએ શાળા હોઇ તેવા કોઈ પુરાવા મળ્યા ન હતા. જેથી પ્રથમ પુરાવા એકઠા કરી અને વિદ્યાર્થીઓના વાલીઓનું નિવેદન નોંધી બાદમાં દંપતી વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવવાની છે.
નકલી શાળાનો સંચાલક સંદીપ તિવારી લાજવાના બદલે ગાજ્યો
રાજકોટ તાલુકાના પિપળિયા ગામમાં નવીનનગરમાં આવેલી ગૌરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ચેકિંગ માટે પહોંચ્યા ત્યારે અહી કોઈ શાળાની માન્યતા ન હોવાની જાણકારી મળતા આ શાળાને સીલ મારી દેવામાં આવી હતી. ત્યારે આ શાળાનું સંચાલન કરતાં હિન્દી ભાષી સંદીપ તિવારી લાજવાના બદલે ગાજ્યો હતો. અને પિપળિયા ગામની આસપાસ ધમધમતા કુટણખાના અને દારૂના હાટડા પર દરોડો ન પાડી તેની શાળામાં દરોડો પાડવામાં આવ્યો હોવાનું કહ્યું હતું ઉપરાંત પોતે શાળા નહીં અને ટ્યુશન ક્લાસીસ ચલાવતો હોવાનું રટણ કર્યું હતું. પરંતુ શાળાની બહાર પોતે ગૌરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલનું બોર્ડ માર્યું હતું. જેથી હાલ પોલીસ અને શિક્ષણ અધિકારીઓએ પુરાવા એકઠા કરી ગુનો નોંધવા તજવીજ કરી છે.
પ્રિ-સ્કૂલ સાથે હાઇસ્કૂલ પણ ચાલુ હોવાથી DEOને જાણ કરાઇ
ગૌરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલમાં તાલુકા શિક્ષણ અધિકારીઓ દ્વારા તપાસ કરાતા તેમાંથી ધો.9 અને ધો.10 ના વિદ્યાર્થીઓ પણ મળી આવ્યા હતા. જેથી આ શાળામાં પ્રિ-સ્કૂલ સાથે હાઇસ્કૂલ પણ ચાલુ હોવાની ખૂલ્યું હતું. જેથી આ મામલે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા DEOને જાણ કરી આપવામાં આવી હતી. અને જે મામલે તો દ્વારા પણ તપાસ કરવામાં આવવાની છે.
શાળા ગામના છેવાડે અને મેઇન માર્ગથી દૂર હોવાથી કોઈને છ વર્ષ સુધી ધ્યાને જ ન આવી
પિપળિયા ગામમાં નવીનનગરમાં આવેલી નકલી ગૌરી પ્રિ-પ્રાઈમરી સ્કૂલ એક-બે નહીં પરંતુ છેલ્લા છ વર્ષથી ધમધમતી હોવાનું સામે આવ્યું છે. જેથી છેલ્લા છ વર્ષથી આ શાળા બેરોકટોક ચાલતી હતી. અને આ તાલુકા અધિકારીઓના ધ્યાને પણ આવ્યું ન હતું. આ તો વાલીઓએ આવેદન આપ્યું અને તાપસ કરાઇ ત્યારે નકલી શાળાનું ભોપાળું છતું થયું હતું. જ્યારે અધિકારીઓએ એવો જવાબ આપ્યો હતો કે, શાળા ગામના છેવાડે અને મેઇન માર્ગથી દૂર હોવાથી તેઓના ધ્યાને જ ન આવી હતી.
નકલી શાળામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને વય મર્યાદા પ્રમાણે એડમિશન અપાશે
રાજકોટના ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિમલ ગઢવીએ જણાવ્યું હતું કે,જે વિદ્યાર્થીઓ અગાઉ આ શાળામાંથી પાસ થઈને ગયા છે. તે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે માટે તેઓને તેમની વય મર્યાદા પ્રમાણે શાળામાં એડમિશન આપવામાં આવવાનું છે.