અગ્નિકાંડના એક દિવસ બાદ જાડેજા બંધુઓએ નકલી દસ્તાવેજો ઊભા કર્યાનો ઘટસ્ફોટ
અશોકસિંહ જાડેજાના કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
રાજકોટ TRP ગેઇમ ઝોન અગ્નિકાંડના છેલ્લા આરોપી અશોકસિંહ જાડેજા ક્રાઇમ બ્રાન્ચના શરણે આવ્યા બાદ તેને ગઇકાલે રિમાન્ડ માટે કોર્ટમાં હાજર કરતાં તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. જ્યારે સીટની તપાસમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થતાં છે. જગ્યાના માલિક અને 10-10 ટકાના ભાગીદાર જાડેજા બંધુઓની સૂચના બાદ અગ્નિકાંડના બીજા દિવસે ખોટા દસ્તાવેજો ઊભા કરવામાં આવ્યા હતા. અને ઓરીજનલ દસ્તાવેજોનો નાશ કરવામાં આવ્યો હતો. જેથી આ મામલે આરોપી અશોકસિંહ જાડેજાની વધુ પૂછતાછ હાથ ધરવામાં આવવાની છે.
રાજકોટમાં ચકચાર મચાવતા અગ્નિકાંડના બનાવમાં પોલીસે ટીઆરપી ગેઇમ ઝોનના સંચાલકો, જમીન માલિકો, મહાનગરપાલિકાના કર્મચારી સહિતના સામે ગુનો નોંધી 9 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી. બાદમાં વધુ એક આરોપી જમીન માલિક હાજર થતાં ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી તપાસ કરતાં આરોપીને આંખે દેખાતું ન હોય અને કાને સંભળાતું ન હોય પોલીસ પણ મૂંઝાઇ હતી. અને તેનું ચેકઅપ કરાવી ગઇકાલે રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કર્યા હતા.
અગ્નિકાંડની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશનની ટીમે કોર્ટમાં સ્પે. પીપી. તુષાર ગોકાણી દ્વારા કહ્યું કે, ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની કોઇ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં આવી ન હતી. 25 મેના રોજ અગ્નિકાંડ સર્જાયા બાદ 26 તારીખના અશોકસિંહ અને કિરીટસિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનના ઓરિજનલ રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો. જાડેજાની સૂચનાથી રજિસ્ટરનો નાશ કરવામાં આવ્યો હતો.
વધુમાં સ્પેશિયલ પીપી વકીલ તુષાર ગોકાણીએ દલીલ કરી હતી કે, અશોકસિંહ પ્રજ્ઞા ચક્ષુ છે.તેમના પ્રત્યે સહાનુભૂતિ છે પણ મૃત્યુ પામેલા 27 લાકોના પરિવાર પ્રત્યેની સહાનુભૂતિનું શું? જો કેમ કોર્ટમાં આરોપી અશોકસિંહે મગરનાં આંસુ સાર્યા હતા. કોર્ટ દ્વારા તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરતાં સીટે તેનો કબજો મેળવી ખોટ દસ્તાવેજો બાબતે આગળની પૂછપરછ હાથ ધરવામાં આવવાની છે.
ઉલ્લેખનીય છે કે,પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા દ્વારા ખોટી મિનિટ્સ બૂક બનાવવામાં આવી હતી. જે 4 મેના રોજ કોઇ ગેરકાયદેસર બાંધકામ માટેની અરજી કરવામાં આવી નહોતી. તેમજ 9 મેના રોજ અરજી સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઇ પ્રત્યુતર આપવામાં આવ્યો નહોતો. પોલીસ દ્વારા IPCની કલમ 201નો ઉમેરો કરવા બાબતે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.