રાજકોટના પાળ ગામે માતાજીના તાવામાં બે જૂથ વચ્ચે ધીંગાણું
બન્ને પક્ષોએ ફરીયાદ નોંધાવતા ૧૦ સામે ગુનો નોંધાયો
રાજકોટ નજીક આવેલ પાળ ગામમાં સુરાપુરા દાદાના મંદિરે માતાજીનો તાવો કરવા બાબતે બે જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતા બે યુવકોને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં રાજકોટ ખસેડાયા હતા. બનાવ અંગે લોધીકા પોલીસ મથકમાં સામાસામે 10 શખ્સો સામે ફરીયાદ નોંધાતા જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી.
કોટડાસાંગાણીના રાજપરા ગામમાં રહેતા કાળુ ભાનુભાઇ ટારીયા (ઉ.વ.૩૯) પરિવારના સભ્યો સાથે લોધીકાના પાળ ગામમાં સુરાપુરા દાદાના દર્શન કરવા માટે ગયા હતા ત્યારે ત્યાં ગામમાં રહેતા થોભણ ટારીયા રામ થોભણ ટારીયા અને મોમ કાનાભાઇ ટારીયાએ અહિયાં માતાજીનો તાવો કેમ કર્યો તેમ કહી ઝગડો કયો હતો અને બન્ને પક્ષો વચ્ચે સશસ્ત્ર મારામારી થઇ હતી જેમાં રામ ટારીયા અને કાળુને ઇજા થઇ હતી.
લોધીકા પોલીસે કાળુ ટારીયાની ફરિયાદ પરથી ત્રણે શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો જ્યારે સામાપક્ષે પાળ ગામમાં રહેતા જીતેન્દ્ર માંડણભાઇ ટારીયા (ઉ.વ.૩૫)એ કાળુ ભનુભાઇ ટારીયા, રવિ આનંદભાઇ ટારીયા, નવધણ આણંદભાઇ ટારીયા, અનીલ નારણભાઇ ટારીયા, રામ નારણભાઇ ટારીયા, ગોવિંદ ભાનુભાઇ ટારીયા તથા પ્રવિણ ભાનુભાઇ ટારીયા સામે ફરીયાદ નોંધાવી છે.