૩૦ વર્ષના યુવકે નોનવેજ ખાધું’ને થયો કોલેરાગ્રસ્ત
રામનાથપરા વિસ્તારમાં પશ્ચિમ બંગાળના યુવકને કોલેરા થતાં જ તંત્ર થયું દોડતું: તાત્કાલિક ટેબ્લેટનું વિતરણ કરાયું, ૧૪૨૪ ઘરના ૩૯૩૬ લોકોનો સર્વે
૧૦ મહિનામાં શહેરમાં કોલેરાનો દસમો કેસ
તહેવારો ટાંકણે જ રાજકોટમાં ડેંગ્યુ સહિતના રોગચાળાએ રફ્તાર પકડી લેતાં લોકોમાં ગજબનો ભય જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હવે કોલેરાના કેસ પણ મળવા લાગતાં ચિંતામાં બમણો વધારો થયો છે. આવો જ કોલેરાનો વધુ એક કેસ હાથીખાના શેરી નં.૩ (રામનાથપરા)માંથી મળ્યો હતો જ્યાં ૩૦ વર્ષનો એક યુવક નોનવેજ ખાધાં બાદ કોલેરાગ્રસ્ત થયો હતો.
આરોગ્ય શાખાના સૂત્રો પાસેથી જાણવા મળેલી મુળ પશ્ચિમ બંગાળનો અને છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં રહેતા ૩૦ વર્ષના યુવકને કોલેરાના શંકાસ્પદ લક્ષણો જણાતાં તેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું જે પોઝિટીવ આવતાં કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો. આ યુવકે નોનવેજ રાંધ્યું હતું જે બરાબર ધોયેલું ન હોય અથવા તો દૂષિત પાણીમાં ધોવામાં આવ્યું હોવાથી કોલેરા થયો હોઈ શકે છે.
કોલેરાનો કેસ મળતાં જ આરોગ્ય શાખા દ્વારા ટેસ્ટીંગ શરૂકરી દેવામાં આવ્યું હતું સાથે સાથે વિસ્તારમાં ૧૧૭૮૦ ક્લોરિન ટેબ્લેટનું વિતરણ કરાયું હતું. આ પછી ૧૪૨૪ ઘરમાં રહેતા ૩૯૩૬ લોકોનો સર્વે કરવામાં આવ્યો હતો.
હાથીખાના આજુબાજુના વિસ્તારમાં પ્રતિબંધાત્મક આદેશ
હાથીખાના વિસ્તારમાં વધુ એક કોલેરાનો કેસ સામે આવતાં ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણે દ્વારા આજુબાજુના બે કિલોમીટર વિસ્તાર માટે પ્રતિબંધાત્મક આદેશ સાથેનું જાહેરનામું અમલી બનાવાયું છે. અહીં બરફ, પાણી અને ખાદ્યપદાર્થોના વેચાણ અંગે અલગ-અલગ પ્રકારની તકેદારી રાખવા આદેશ અપાયો છે. બરફના કારખાનેદારો બરફ બનાવવા માટે પીવાલાયક પાણીનો જ ઉપયોગ કરવા હુકમ કરાયો છે તો ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.