ગરબાની પ્રેક્ટીસ કરતાં 10 વર્ષના બાળકનું હાર્ટ એટેકથી મોત
નવલનગરમાં પ્રૌઢ અને ઉદયનગરમાં મહિલાને હ્રદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો
રાજકોટમાં છેલ્લા ઘણા વખતથી નાની ઉંમરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યાં છે. જેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. મવડી ચોકડી પાસે રહેતો અને ધો.5માં અભ્યાસ કરતો 10 વર્ષનો બાળક જીવરાજ પાર્કમાં આવેલા બાલાજી ગરબી મંડળમાં ગરબાની પ્રેક્ટિસ કરતો હતો. ત્યારે તેનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારમાં કપલાંત છેવાયો છે. જ્યારે નવલનગરમાં રહેતા પ્રૌઢ અને ઉદયનગરમાં મહિલાને હ્રદય રોગનો હુમલો જીવલેણ સાબિત થયો હતો.
પ્રથમ બનાવની માહિતી મુજબ જાણવા મળ્યા મુજબ જીવરાજ પાર્કમાં લક્ષમણ ટાઉનશીપમાં રહેતો પ્રિયન જીજ્ઞેશભાઇ પોકીયા(ઉ.વ.૧૦) રાતે સવા નવેક વાગ્યે લક્ષમણ ટાઉનશીપમાં જ બાલાજી ગરબા મંડળમાં રાસ ગરબા શીખવા ગયો હોઇ ત્યાં રમતી વખતે એકાએક બેભાન થઇ ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પીએસઆઇ પી.એચ.નાઇ અને વિક્રમભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.મૃત્યુ પામનાર પ્રિયન ધોરણ-૫માં ભણતો હતો અને માતા ધર્મિષ્ઠાબેન અને પિતા જીજ્ઞેશભાઇનો એકનો એક પુત્ર હતો.. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ પ્રિયનને જન્મજાત હૃદયમાં કાણુ હતું. રાતે રાસ ગરબા શીખવા ગયો તે સમયે રાસ રમતી વખતે હાર્ટએટેક આવી ગયાનું જણાવયુ હતું. એકના એક દિકરાના મૃત્યુથી પરિવારમાં શોકમાં ગરક થયો છે.
બીજા બનાવમાં નવલનગરમાં-9/10 માં રહેતા મુકેશભાઇ બાલુભાઈ દદાલી(52)નાઓ બોપરના સમયે પોતાના ઘરે હતા. ત્યારે તેઓ બેભાન થઈ ઢળી પડયા હતા.અને પરિવારે સિવિલમાં ખસેડતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. અને હાર્ટ એટેક આવ્યાનું જણાવ્યું હતું.ત્રીજા બનાવમાં ઉદયનગરમાં રહેતા મધીબેન રામજીભાઇ બોડલા (47)પોતાના ઘરે હતા ત્યારે છાતીમાં દુખાવો ઊપડતાં ઢળી પડયા હતા. જેથી પરિવાર સારવાર માટે સિવિલમાં લાવ્યો હતો. અને અહીના તબીબોએ હ્રદય હુમલો આવ્યાનું કહી મૃત જાહેર કર્યા હતા.