અષાઢી બીજે ફોર-વ્હીલર, ટુ-વ્હીલરના વેચાણમાં જબદરસ્ત કરંટ : એક જ દિ’માં વેંચાઈ આટલી કાર અને ટુ-વ્હીલર !
અષાઢી બીજે ફોર-વ્હીલર, ટુ-વ્હીલરના વેચાણમાં જબદરસ્ત કરંટ
એક જ શો-રૂમમાંથી ૧૬.૫૦ લાખથી લઈ ૨૦ લાખ સુધીની ૪૨ કાર વેચાઈ જે બધી જ રોકડે !
મીડિયમ રેન્જમાં બલેનો કાર સૌથી વધુ વેચાઈ: હાઈરાઈડર, ગ્લાન્ઝા, ફોર્ચ્યુનર સહિતની એક્સયુવી કારનું વેચાણ પણ નોંધપાત્ર
ટુ-વ્હીલરમાં એક્સેસનું વેચાણ પ્રથમ ક્રમે, એક્ટિવા, બર્ગમેન પણ એટલા ઉપડ્યા'
અષાઢી બીજે વણજોયા મુહૂર્તમાં વાહનની ખરીદી કરવાનો સિલસિલો રાજકોટીયન્સે આ વર્ષે પણ જાળવી રાખીને મન મુકીને ખરીદી કરી છે. એકંદરે પાછલા વર્ષની તુલનાએ આ વર્ષે ફોર-વ્હીલર અને ટુ-વ્હીલરના વેચાણમાં જબરદસ્ત કરંટ દેખાયો છે. ઓટોમોબાઈલ ડિલર્સ પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે એક જ દિવસમાં રાજકોટના અલગ-અલગ શો-રૂમમાંથી ૯૯૬ કાર અને ૧૩૭૪ ટુ-વ્હીલરનું વેચાણ થયું છે.
ટુ-વ્હીલરની વાત કરવામાં આવે તો સુઝુકી એક્સેસનું વેચાણ સૌથી વધુ રહ્યું હોવાની અને તે સંખ્યા ૭૫૦ આસપાસ રહેવા પામી છે. આ જ રીતે એક્ટિવા, બર્ગમેન તેમજ સ્પોર્ટસ બાઈકનું વેચાણ પણ નોંધપાત્ર રહ્યું છે. ટુ-વ્હીલરની ખરીદીમાં રોકડે અને લોન પર વેચાણનો રેશિયો ૭૦-૩૦નો રહ્યો છે મતલબ કે ૭૦% લોકોએ હપ્તેથી તો ૩૦% લોકોએ રોકડેથી ટુ-વ્હીલર ખરીદ કર્યું છે. આ જ રીતે ફોર-વ્હીલરનું વેચાણ પણ જોરદાર રહ્યું છે. એક જ શો-રૂમમાંથી વૈભવી કેટેગરીમાં જેની ગણતરી થાય છે તેવી ૧૬.૫૦ લાખથી લઈને ૨૦ લાખ રૂપિયા સુધીની ૪૨ કાર વેચાઈ હતી જે બધી જ રોકડેથી વેચાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ કાર
કીયા’ કંપનીની છે જેના એક શો-રૂમ પરથી ૪૨ લોકોએ રોકડે જ ખરીદી કરી હતી.
જ્યારે મીડિયમ રેન્જમાં બલેનોનું વેચાણ સૌથી વધુ થવા પામ્યું છે તો એક્સયુવી કેટેગરીમાં હાઈરાઈડર, ગ્લાન્ઝા, ફોર્ચ્યુનરનું વેચાણ નોંધપાત્ર રહ્યું છે.એકંદરે વાહનોના વેચાણમાં આ વખતે ડિલર્સને તડાકો પડી ગયો હોવાનું અને સવારથી લઈ સાંજ સુધી શ્વાસ લેવાનો સમય નહીં મળ્યો હોવાનું જણાઈ રહ્યું છે. જો કે ડિલર્સના મતે પાછલી અષાઢી બીજે જેટલું વેચાણ થયું હતું એટલું જ આ વર્ષે પણ રહ્યું છે !