મીની વાવાઝોડાથી ૯૯ થાંભલાને નુકસાની, ૧૨૦૫ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો
ખેતીવાડી સહિતના ૬૩૨ ફિડર બંધ થયા: રાજકોટમાં ૧૨ ફિડર ટ્રીપ થતાં અનેક ઘરોમાં વીજળી થઈ ગુલ થઈ
સોમવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં તોફાની પવન સાથે કરા અને કમોસમી વરસાદ થયો હતો. જેમાં સૌરાષ્ટ્રમાં આવેલા મીની વાવાઝોડાને કારણે પીજીવીસીએલ હેઠળના કુલ ૧૨૦૫ ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જ્યારે કુલ ૬૩૨ ફિડર બંધ થઈ ગયા હતા. જ્યારે ૯૯ વીજપોલ ડેમેજ થયા હતા. જો કે પીજીવીસીએલની ટેકનીલ ટીમ દ્વારા ૧૧૯૭ ગામમાં વીજ પુરવઠો પૂર્વરત કરવામાં આવ્યો હતો.
સોમવારે સૌરાષ્ટ્રભરમાં મીની વાવાઝોડું ફૂંકાયું હતું. જેના કારણે અનેક ગામોમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો. પીજીવીસીએલ દ્વારા જણાવાયું હતું કે, સૌરાષ્ટ્રમાં આવેલા મીની વાવાઝોડાને પીજીવીસીએલ હેઠળ આવતા ૧૨૦૫ ગામમાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેમાં મંગળવાર બપોર સુધીમાં ૧૧૯૭ ગામોમાં પીજીવીસીએલની ટેકનીકલ ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે વીજ પુરવઠો પૂર્વરત કરી દેવામાં આવ્યો હતો. જ્યારે ૮ ગામમાં વીજ પુરવઠો શરુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જયારે જ્યોતિગ્રામ યોજનાના ૫ ફીડર અને ખેતીવાડીના ૬૨૭ ફીડર મળી કુલ ૬૩૨ બંધ થયા હતા. જેને રીસ્ટોર કરવા માટે કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
રાજકોટમાં પણ રાત્રે ભારે પવન ફૂંકાયો હતો જેને કારણે એચ.ટી.૧ સબ ડિવિઝન હેઠળ નવદુર્ગા, સીતારામ, ભક્તિનગર, સહકાર અને નવાગામ ફીડર, એચ.ટી.૨ સબ ડિવિઝન હેઠળ એસઆરપી અને ગુરુકુળ ફીડર તેમજ એચ.ટી.૩ સબ ડિવિઝન હેઠળ આવતા વૃંદાવન, સોમેશ્વર, કસ્તુરી અને શાંતિવન ફીડર ટ્રીપ થયા હતા. જેને કારણે અનેક ઘરોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
સૌરાષ્ટ્રમાં આવેલા મીની વાવાઝોડાને કારણે સૌથી વધુ નુકસાન પોરબંદર, ભાવનગર, અમરેલી જુનાગઢ, અંજાર, બોટાદ અને સુરેન્દ્રનગરમાં થયું હતું. પોરબંદરમાં તોફાની પવન અને વરસાદને કારણે ૧૦૭ ફિડર, જૂનાગઢમાં ૫૪, ભાવનગરમાં ૧૩૫, અમરેલીમાં ૧૪૫, અંજારમાં ૭૪, બોટાદમાં ૩૩ અને સુરેન્દ્રનગરમાં ૩૬ સહિત કુલ ૬૨૭ ફિડર બંધ થયા હતા. જ્યારે મોરબીમાં ૨૦, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ૧૧-૧૧, બોટાદમાં ૫૩ મળી કુલ ૯૯ વીજ પોલ ડેમેજ થયા હતા.