કપડાં ધોવાના પાઉડર-કલર-સોડાથી તૈયાર થયેલું ૯૦૦૦ કિલો ફરસાણ પકડાયું !
દિવાળી પહેલાં જ મહાપાલિકાની ફૂડ શાખાનું જામનગર રોડ પર આવેલા ભરત નમકીનમાં મોટું ઓપરેશન: ગાંઠિયા-ચકરી-સક્કરપારા-બિંગો-કૉર્નબાઈટ સહિતનું અખાદ્ય ફરસાણ પકડાતાં નાશ: રાજકોટ શહેર-જિલ્લામાં મોટાપાયે થઈ રહી’ની ફરસાણની સપ્લાય; હિતેશ ઠક્કર ગોડાઉનનો માલિક
દિવાળીનો તહેવાર નજીક આવી ચૂક્યો છે અને લોકો તેની ઉજવણી કરવા માટેની તૈયારીમાં લાગી ગયા છે. દિવાળીની રંગત' જેના વગર
ફિક્કી’ લાગે તે ફરસાણનું વેચાણ કરોડો રૂપિયાનું થવાનું છે ત્યારે તેના થકી કરોડો રૂપિયા કમાઈ લેવાની લ્હાય સાથે અમુક નફાખોરો દ્વારા ભેળસેળવાળું ફરસાણ ધાબડી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની હિન હરકત કરવામાં આવી રહ્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. મહાપાલિકાની ફૂડ શાખાએ જામનગર રોડ પર મનહરપુર-૧, વિનાયક મંડપવાળા રોડ પર આવેલા ભરત નમકીન નામના ગોડાઉન પર દરોડો પાડી કપડાં ધોવાના પાઉડર-વોશિંગ સોડા-કલરથી તૈયાર થયેલા અધધ ૯૦૦૦ કિલો ફરસાણનો જથ્થો પકડી પાડતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
આ અંગે ફૂડ શાખાના અધિકારી સૂત્રોએ જણાવ્યું કે આ કારખાનાના માલિક હિતેશ ઠક્કર હોવાનું ધ્યાન પર આવ્યું છે. અહીં ફરસાણ તૈયાર કરવા માટે અલગ-અલગ યુનિટ રાખવામાં આવ્યા છે જ્યાં માથું ફાડી નાખે તેવી ગંદકી ધ્યાન પર આવી છે. અહીંથી દરેક પ્રકારનું ફરસાણ કે જેનો દિવાળીમાં ઉપાડ વધુ રહે છે તેવા ગાંઠિયા, ચકરી, સક્કરપારા, બિંગો, કૉર્નબાઈટ સહિતનું ઉત્પાદન કરવામાં આવતું હતું. સૌથી પહેલાં તો આ ફરસાણ અનેક વખત ઉપયોગમાં લેવાઈ ગયેલા દાઝીયા તેલથી બનાવવામાં આવતું હતું જે આરોગ્ય માટે અત્યંત હાનિકારક છે. આ ઉપરાંત લીલા કલરના ગાંઠિયા બનાવવા માટે કલરનો ઉપયોગ કરવામાં આવતો હતો ! સામાન્ય રીતે ફરસાણમાં કલરનો ઉપયોગ કરવાની સખત મનાઈ છે છતાં તેનો ઉપયોગ હિતેશ ઠક્કર દ્વારા કરાઈ રહ્યો હતો. આ ઉપરાંત વોશિંગ પાઉડર અને ખાવાનો સોડા પણ બેફામ વપરાઈ રહ્યો હતો.
આટલું ઓછું હોય તેમ સ્થળ પરથી મોટાપાયે કાચો માલ મળ્યો છે જેના ઉપર કોઈ પ્રકારની ઉત્પાદન તારીખ સહિતની વિગતો મળી આવી નથી. આ ફરસાણ હિતેશ ઠક્કર દ્વારા રાજકોટ શહેરમાં તેમજ જિલ્લામાં વેચવામાં આવી રહ્યું હતું.
દશેરાથી ઉત્પાદન થઈ રહ્યું હતું
ફૂડ શાખાના સૂત્રોએ જણાવ્યું કે ભરત ફરસાણમાં દશેરાથી જ દિવાળી માટેના ફરસાણનું ઉત્પાદન શરૂ કરી દેવામાં આવ્યું હતું અને અત્યાર સુધીમાં ઘણો બધો જથ્થો તૈયાર થઈને સપ્લાય પણ થઈ ચૂક્યો છે એટલા માટે હવે જ્યાં જ્યાં અહીંનું ફરસાણ સપ્લાય થયું હશે તે દુકાનો ઉપર પણ તપાસ કરવામાં આવશે.
ભરત ફરસાણના ભાવનગરી ગાંઠિયા-સક્કરપારાં ખાધાં એટલે ફૂડ પોઈઝનિંગ પાક્કું
ભરત ફરસાણમાં જે ફરસાણ તૈયાર કરવામાં આવી રહ્યું હતું તેમાં મોટાપાયે ઘાલમેલ કરવામાં આવતી હોય આ પ્રકારનું ફરસાણ ખાવાથી ફૂડ પોઈઝનિંગ, કેન્સર સહિતના ગંભીર રોગ થવા નિશ્ચિત બની જાય છે એટલા માટે જ મહાપાલિકા દ્વારા તાત્કાલિક દરોડો પાડી તમામ જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.