રાજકોટના વેપારીઓની 9૦ લાખની ચાંદીની લૂંટ
અમદાવાદથી રાજકોટ બોલેરો પીકઅપ વાહનમાં આવી રહેલા વેપારીઓના રૂ.૯૦ લાખની ચાંદીની દિલધડક લૂંટની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે. બોલેરો પીકઅપ વાહન સાયલા નજીક કાનપર ગામના પાટીયા પાસે પહોંચ્યું ત્યારે આ વાહનને બે આઈ-૧૦ કારે આંતરી ૮ શખ્સોએ પિકઅપ વાહનના ડ્રાઈવરને માર મારી બોલેરો લઈ ભાગી ગયા હતા અને ૯ કિમી દૂર વાહન રાખી તેમાંથી ૧૨૦ કિલો ચાંદીના ૨૩ પાર્સલની લૂંટ ચલાવી બોલેરોનર રેઢું મૂકીને ભાગી જતાં પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ, અમદાવાદથી વેપારી પેઢી દ્વારા રાજકોટનાં વેપારીને રૂા.૯૦ લાખની કિમતની ૧૨૦ કિલો ચાંદીના ૭૨ જેટલા પાર્સલ મોકલવામાં આવ્યા હતાં. રાત્રિનાં વેપારી પેઢીનાં બે કમર્ચારીઓ બોલેરો કારમાં ચાંદીના પાર્સલ લઈ રાજકોટ આવવા માટે નીકળ્યા હતાં. દરમિયાન બગોદરા લીંબડી વચ્ચે કાનપર ગામના પાટીયા પાસે બોલેરો કાર પહોંચી ત્યારે પાછળ પીછો કરી રહેલા બે કારમાં આવેલા ૮ જેટલા લુંટારૂઓએ બોલેરો વાહનને આંતરી વેપારી પેઢીનાં બન્ને કર્મચારીઓને મારમારી બોલેરો લઈને ભાગી ગયા હતા અને તેની પાછળ પાછળ બંને કાર ગઈ હતી.
તે બોલેરો વાહનને ૯ કિમી દૂર લઈ જઈને ૮ શખ્સો દ્વારા તેમાં રહેલા ૧૨૦ કિલો ચાંદીના ૨૩ પાર્સલ લૂંટીને બોલેરોને રેઢું મૂકી નાશી ગયા હતા. જ્યારે આ મામલે ભોગ બનનાર વેપારી પેઢીનાં કર્મચારી દ્વારા સૌપ્રથમ તેના શેઠને જાણ કર્યા બાદ સુરેન્દ્રનગર પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. જેના પગલે પાણશિણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાઘેલા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને લુંટ કરી નાસી છુટેલા લુંટારૂઓની બન્ને કારના નંબર મેળવી સ્ટેટ કંટ્રોલરૂમને જાણ કરી રાજ્યભરમાં નાકાબંધી કરાવી દીધી હતી.બાદ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે બંને કાર અમદાવાદ તરફ જઈ રહી છે. જેથી પોલીસ તે દિશામાં તાપસ શરૂ કરી છે.
પિકઅપ વાહનને લૂંટયા બાદ માત્ર ૧૪ મિનિટમાં લૂંટારુઓએ ચાંદીના ૨૩ પાર્સલ કાઢી લીધા
કાનપર ગામના પાટિયા નજીક લૂંટારોએ બોલેરો પીકઅપ વાહનના ડ્રાઇવરને માર મારી વાહનને હાંકવી નવ કિલોમીટર દૂર લઈ ગયા હતા અને રોડ પર વાહનને રાખી માત્ર ૧૪ મિનિટમાં જ ચાંદીના ૧૨૦ કિલોના ૨૩ પાર્સલને લૂંટીને વાહનને રેઢું મૂકીને બંને કારમાં નાશી ગયા હતા.
એક વર્ષ પૂર્વે એમ.પી.ની કંજર ગેંગે આજ મોડેસ ઓપરેન્ડી દ્વારા ૧૪૦૦ કિલો ચાંદીની લૂંટ ચલાવી’તી
એક વર્ષ પૂર્વે રાજકોટથી અમદાવાદ એરપોર્ટ તરફ આવી રહેલી કુરિયર કંપનીની વાનને એમપીની કંજર ગેંગના ૮ શખ્સો દ્વારા વાનને આજ મોડેન્સ ઓપરેન્ડી દ્વારા વાહનને આંતરીને ૧૪૦૦ કિલો ચાંદી સહિત જ્વેલરી મળી ૩.૯૩ કરોડની લૂંટ ચલાવી હતી જે ઘટના મામલે અમદાવાદ પોલીસ દ્વારા લૂંટારુઓની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે ફરી તેજ મોડેન્સ ઓપરેન્ડીનો ઉપયોગ થતાં એમપીની કંજર ગેંગ સક્રિય થઈ છે કે કેમ? તે દિશામાં પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.