રાજસ્થાન ફરવા ગયેલા સોની પરિવારના બંધ મકાનમાં 75 હજારની ચોરી
હુડકો કવાર્ટસમાં રહેતા સોની વેપારીના ઘરેમાં ચોરી કરનાર ત્રિપુટી સીસીટીવીમાં કેદ
કોઠારીયા રોડ હુડકો કવાર્ટસમાં રહેતા સોની વેપારી સાતમ-આઠમની રજાઓમાં રાજસ્થાન ફરવા ગયા બાદ તેમના બંધ મકાનમાં ત્રાટકેલા ત્રણ તસ્કરોએ રૂ.75 હજારની ચોરી કરી નાસી જતા આ મામલે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ત્રિપુટીની શોધખોળ શરૂ કરી છે.
આશાપુરા મેઇન રોડ પર આવેલ શ્રી મોમાઇ જવેલર્સ નામની દુકાનચલાવતા સોની વેપારી ધર્મેશભાઇ રસીકભાઇ ધાનક પત્ની અને બે પુત્ર સાથે ગઇ તા-૦૮/૦૯/૨૦૨૩ સાતમ-આઠમની રજાઓમાં રાજસ્થાન ખાતે ફરવા ગયા હતાઅને ત્રણ દિવસ પછી 10/09 ના રોજ પરત આવ્યા ત્યારે જાણવા મળ્યું કે,તેમના કોઠારીયા રોડ હુડકો કવાર્ટસમાં બી/૪૧૮ જય દ્વારીકાધીશ નામના બંધ મકાનમાં ચોરી થઈ હતી.
મકાનના ઉપરના બેડરૂમમાં બધો સામાન વેર-વીખેર હાલતમાં પડેલ હતો અને ડ્રોવરના ખાનામાં રાખેલ રૂપીયા ૭૫,૦૦૦ચોરી થયેલ હોય જેથી મકાનમાં લગાડેલ સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા ત્રણ શખ્સો ચોરી કરવા ઘૂસ્યા હોવાનું દેખાયું હતું જેમાં એક વ્યકતિ મકાન પાસે ઊભો હતો જ્યારે અન્ય શખ્સ મકાનના રવેશમાંથી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું જાણવા મળ્યું હોય આ બાબતે ભકિતનગર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે ત્રિપુટીની શોધખોળ શરૂ કરી છે.