ભારે વરસાદને કારણે રાજકોટ જિલ્લાના 65 રસ્તાઓ બંધ
કોઝવે તેમજ ડેમમાંથી પાણી છોડવાને કારણે ગ્રામીણ રસ્તાઓ બંધ : સૌથી વધુ રસ્તા રાજકોટ તાલુકાના બંધ
રાજકોટ : રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે મોટાભાગના ડેમ ઓવરફ્લો થઈ જતા ડેમના પાટિયા ખોલવામાં આવતા અનેક ગ્રામીણ માર્ગો બંધ થયા છે સાથે સાથે કોઝવેને કારણે પાણી ભયજનક સપાટીએ હોય રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં કુલ મળી 65 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
રાજકોટ માર્ગ અને મકાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લામાં તા,25થી શરૂ થયેલો વરસાદ સતત વરસી રહ્યો હય રાજકોટ જિલ્લાના જેતપુર, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, લોધીકા, પડધરી, જસદણ, વિછિયા, જામકંડોરણા અને રાજકોટ તાલુકાના મોટાભાગના કોઝવે ઉપરથી પાણીના ધસમસતા પ્રવાહો વહી રહ્યા હોવાથી કુલ મળીને 65 રસ્તાઓ ઓવર ટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે.
વધુમાં રાજકોટ જિલ્લાના પડધરી નજીક આવેલ ન્યારી-2 ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હોવાથી રંગપર-સરપદળ, રાજકોટ રંગપર તેમજ ખજુરડી નજીક આવેલ આજી-3 ડેમના પાટિયા ખોલવામાં આવ્યા હોવાથી ખોડાપીપર અને થોરિયાળી તરફ જતા માર્ગને બંધ કરવામાં આવ્યો છે. એ જ રીતે અન્ય માર્ગો ઉપર પણ વરસાદી પુરના પાણી ફરી વળ્યાં હોવાથી ગ્રામીણ માર્ગો બંધ કરવામાં આવ્યા છે અને પાણી ઉતર્યા બાદ આ રસ્તાઓ શરૂ કરવામાં આવનાર હોવાનું તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.