રાજકોટ બાર એસોસિયેશનના ચૂંટણીમાં ૬૦ ટકા મતદાન
એક્ટિવ, સમરસ, અને કાર્યદક્ષ પેનલોએ કરેલા જોરશોરથી પ્રચાર બાદ સવારથી મતદાન કરવા વકીલોની લાઈનો લાગી
જુદા-જુદા બારના હોદ્દેદારો અને સિનિયર વકીલોની ફોજ મનપસંદ પેનલને જીતાડવા સવારથી જ કોર્ટમાં ખડેપગે રહી
રાજકોટ બાર એસોસિયેશન વર્ષ ૨૦૨૫ની ચૂંટણીમાં ત્રણ પેનલો મેદાને હતી. ત્રણેય પેનલના ઉમેદવારોએ જીત મેળવવા કરેલા જોર શોરથી પ્રચાર બાદ ગઈકાલે યોજાયેલી ચૂંટણીમાં સવારથી જ મતદાન કરવા માટે વકીલોની લાઈનો લાગી હતી અને ૩ વાગ્યા સુધીમાં કુલ ૩૬૯૯ મતદારોમાંથી ૨૧૨૨ વકીલોએ મતદાન કર્યું હતું. પોતાની મનગમતી પેનલને જીતાડવા માટે સવારથી જ જુદા-જુદા બારના હોદ્દેદારો તેમજ સિનિયર વકીલોની ફોજ કોર્ટ પરિસરમાં ઉતરી પડી હતી. જો કે ઓછા મતદાનની આશંકા વચ્ચે પેનલોનાં ઉમેદવારોએ મતદાન વધારવા કરેલી સારી મેહનતને પગલે વધુ મતદાન થયું હોવાનું વકીલ આલમમાં ચર્ચા થઈ હતી.

આ ચૂંટણીમાં પ્રમુખ પદ માટે કાર્યદક્ષ પેનલ વતી દિલીપ જોષી, સમરસ પેનલના પરેશ મારુ, અને એક્ટિવ પેનલના બકુલ રાજાણીએ દાવેદારી નોંધાવી હતી. જેની સાથે જ ચૂંટણી જંગ ત્રણ મોરચે શરૂ થઈ ગયો હતો. ત્રણેય પેનલોએ એક અઠવાડિયાથી વધુ સમય કરેલા જોરશોરથી પ્રચાર બાદ ગઈકાલે મતદાનના દિવસે સવારથી જ વકીલો મતાધિકારનો ઉપયોગ કરી પોતાના નેતાને ચૂંટવા પહોંચી ગયા હતા. સવારે બે કલાક ૨૦ ટકા જેટલું મતદાન રહ્યા હતો. જોકે ૧૧ વાગ્યા બાદ એકાએક વાતાવરણમાં પલટો છવાયો અને મતદાન કરવા વકીલોની લાંબી લાઈનો લાગી ગઈ હતી.
વકીલો મતદારોની ભારે ભીડ વચ્ચે બારની સદસ્યતા રદ થયા બાદ પણ મતદાન કરવા પહોંચેલા એક મહિલા વકીલે પોતાનો મતધિકારનો ઉપયોગ કરી મત આપવાનું કહેતા ચૂંટણી અધિકારીઓએ તેમને રોકતા હોબાળો થયો હતો અને ૨૦ મિનિટ સુધી મતદાન થંભી ગયું હતું. જે બાદ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ હર્ષ પટેલ સહિતનો સ્ટાફ દોડી જઇને મામલો શાંત પાડ્યો હતો. ૩ વાગ્યે મતદાન પુરું થતા જ ૩૬૯૯ વકીલો માંથી ૨૧૨૨ વકીલોએ પોતાના મતધિકારનો ઉપયોગ કર્યો હતો.
બાર એસોસયેશનની ચૂંટણીમાં વકીલની સનદ ધરાવતા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, પૂર્વ મેયર પ્રદીપ ડવ, માલવિયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામ હેરભા, યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા તેમજ સિનિયર એડવોકેટ અનિલ દેસાઈ, કમલેશ શાહ, પિયુષ શાહ, લલિતસિંહ શાહી, જયદેવ શુક્લ, અર્જુન પટેલ,દિલીપ પટેલ સહિતનાઓએ મતદાન કર્યું હતું. એડવોકેટ સુરેશ ફળદુ, અજયસિંહ ચૌહાણ, બકુલ રાજાણી, પરેશ મારુ, દિલીપ જોષી, ગીરીરાજસિંહ, સમીર ખીરા, પરાગ શાહ, ચિત્રાંક વ્યાસ, વારીસ જુણેજા, હુસેન હેરંજા, મહિલા વકીલોમાં બિનલબેન રેવશિયા, નમ્રતાબેન ભાદોરિયા સહિતનાઓએ મતદાન કર્યું હતું.