સાધુ વાસવાણી રોડ પર `માર્વેલસ બેકરી’માંથી ૬૦ કિલો વાસી જથ્થો પકડાયો
પેડક રોડ પર રાજ સેન્ડવિચમાંથી ૧૦ લીટર એક્સપાયર ઠંડા પીણાં અને વાસી સેન્ડવિચ મળ્યા: પેટીસ, પનીર ટકાટક સબ્જીના નમૂના લેવાયા
રાજકોટ મહાપાલિકા પાસે ભેળસેળિયા તત્ત્વો ઉપર આકરી કાર્યવાહી કરવાની કોઈ જ પૂરતી સત્તા ન હોવાથી આ દૂષણ ઘટવાનું નામ લઈ રહ્યું નથી. દર સપ્તાહે ફૂડ શાખા દ્વારા બે વખત ચેકિંગ કરાઈ રહ્યું છે જેમાં વાસી, અખાદ્ય પદાર્થ પકડાયા ન હોય તેવું બન્યું નથી ત્યારે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી માર્વેલસ બેકરીમાં દરોડો પાડી તપાસ કરાતાં ત્યાંથી ૬૦ કિલો વાસી બેકરી પ્રોડક્ટસનો જથ્થો મળી આવતાં સ્થળ પર જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેડક રોડ પર રાજ સેન્ડવિચમાં ચેકિંગ કરવામાં આવતાં એક્સપાયર થઈ ગયેલી ઠંડાપીણાની બોટલ ૧૦ લીટર તેમજ ૫૦૦ ગ્રામ વાસી સેન્ડવિચ પકડાયા હતા.
ફૂડ શાખા દ્વારા માર્વેલસ બેકરીમાંથી માર્વેલસ ડ્રાયફ્રૂટ કુકીઝ, રૈયા રોડ પર સોજીત્રાનગરમાં આવેલા બર્ગેરિટો ફાસ્ટ ફૂડમાંથી કોર્પીનો ક્રીમી ચીઝ, રૈયા રોડ પર શ્રી સદ્ગુરુ તીર્થધામ કોમ્પલેક્સમાં આવેલા અંજલી રેસ્ટોરન્ટમાંથી પનીર ટકાટક સબ્જી તેમજ ગુણાતીત મેઈન રોડ પર તુલસી બાગ સામે આવેલા જલારામ નમકીનમાંથી ફરાળી પેટીસના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા જેનું પરિણામ છેક ત્રણ અથવા છ મહિના બાદ આવશે !