રાજકોટમાં ૪૬૫ કરોડના ખર્ચે ૬ બ્રિજ બનશે
પ્રદ્યુમન પાર્કથી રાંદરડા લેઈક ઉપર સામાકાંઠા સુધી ૧૮૦ કરોડના ખર્ચે આગવી ઓળખ ધરાવતો પેડેસ્ટ્રીયન' ઓવરબ્રિજ બનશે
કટારિયા ચોકડીએ ફ્લાય ઓવર બ્રિજ માટે ૧૩૮, ગોંડલ રોડ પર પીડીએમ ફાટક પર અન્ડરબ્રિજ માટે ૧૦૦ કરોડ સહિત પાંચ બ્રિજ માટે સરકાર પાસે ૨૮૫.૭૯ કરોડ માંગશે મનપા
રાજકોટની વસતી અને વિસ્તાર સાથે સાથે વાહનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે જેના કારણે હવે રસ્તાઓ સાંકડા પડી રહ્યા હોવાથી વારંવાર ટ્રાફિકજામ થઈ રહ્યો છે. આ સમસ્યાનો ઉકેલ કોઈ પણ ભોગે નીકળી રહ્યો ન હોય આખરે શહેરમાં બ્રિજની સંખ્યા વધારવાની દિશામાં
મહેનત’ શરૂ કરી દેવાઈ છે. ભવિષ્યની સ્થિતિને ધ્યાનમાં રાખી મહાપાલિકા દ્વારા શહેરમાં ૪૬૫ કરોડના ખર્ચે વધુ ૬ બ્રિજ બનાવવા માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે અને આ માટે સરકાર પાસે ગ્રાન્ટ માંગવા માટે સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત પણ કરી દેવાઈ છે.
આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે પ્રદ્યુમન પાર્કથી રાંદરડા તળાવ ઉપર સામાકાંઠા સુધી ૧૮૦ કરોડના ખર્ચે આઈકોનિક `પેડેસ્ટ્રિયન’ ઓવરબ્રિજ બનાવવાની દરખાસ્ત મ્યુનિસિપલ કમિશનર તરફથી સ્ટેન્ડિંગ કમિટીને મળી છે. હવે સ્ટેન્ડિંગ કમિટી આ દરખાસ્ત અંગે નિર્ણય લઈ બ્રિજ માટેની ૧૮૦ કરોડની ગ્રાન્ટ સરકાર પાસે માંગશે.
આ ઉપરાંત વોર્ડ નં.૧૧માં કટારિયા ચોકડી ઉપર અન્ડરબ્રિજ તેમજ ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૩૮ કરોડ, વોર્ડ નં.૧માં રૈયાગામથી સ્માર્ટ સિટીના ડીપી રોડ ઉપર આવેલા વોંકળા ઉપર ૧૩.૫૦ કરોડના ખર્ચે બ્રિજ, વોર્ડ નં.૯માં ૧૫૦ ફૂટ ન્યુ રિંગરોડ ઉપરના કટારિયા ચોકથી સ્માર્ટ સિટી જતા રોડ ઉપર ત્રણ બ્રિજનું વાઈડનિંગ કામ ૨૦ કરોડના ખર્ચે, ગોંડલ રોડ પર પીડીએમ ફાટક પર ૧૦૦ કરોડના ખર્ચે રેલવે અન્ડરબ્રિજ તેમજ વોર્ડ નં.૧૮માં ખોખડદળ નદી ઉપર કોઠારિયા તેમજ લાપાસરીને જોડતા રસ્તા પર ૧૪.૨૯ કરોડના ખર્ચે હાઈલેવલ બ્રિજ બનાવવાની દરખાસ્ત કમિશનર દ્વારા કરાઈ છે. આ પાંચેય બ્રિજના કામ પાછળ ૨૮૫.૭૯ કરોડના ખર્ચનો અંદાજ છે જે અંગે કમિટી નિર્ણય લઈને સરકાર પાસે ગ્રાન્ટની માંગણી કરશે.