ગળું-મોઢું-આંતરડા છોલી’ નાખતા ૫૫૦૦ કિલો ચના જોર પકડાયા
શહેરમાં ખાણી-પીણી ખાદ્ય ઓછી અખાદ્ય વધુ પકડાઈ રહી છે !!આજી ડેમ ચોકડી પાસે કલ્પેશ ટે્રડર્સ-જે.કે.સેલ્સ અને આશા ફૂડસમાં ફૂડ શાખાનો દરોડો: ગંદકીયુક્ત જગ્યામાં તૈયાર થતું હતું ફરસાણ: શંખજીરુનો કરાતો'તો બેફામ ઉપયોગ
રાજકોટમાં હવે દરરોજ કોઈને કોઈ વિસ્તારમાંથી વાસી-અખાદ્ય ખાણીપીણીનો જથ્થો ન પકડાય તો જ નવાઈ પામવા જેવું રહે છે. બીજી બાજુ મહાપાલિકાની ફૂડ શાખા
એક્ટિવ મોડ’માં કામ કરી રહી હોવા છતાં ભેળસેળીયા તત્ત્વોને કોઈ જ પ્રકારનો ખૌફ રહ્યો ન હોય તેમ લોકોના આરોગ્ય સાથે રમત કરી રહ્યા છે. એકંદરે હવે તો શહેરમાંથી ખાદ્ય ઓછી અને અખાદ્ય વાનગીઓ વધુ પકડાતાં બહારનું કશું ખાવું કે નહીં તેનો સો વખત વિચાર કરવો પડી રહ્યો છે. આવી જ એક અખાદ્ય ફરસાણ બનાવતી ફેક્ટરીને ફૂડ શાખાએ આજી ડેમ ચોકડી વિસ્તારમાંથી પકડી પાડી છે જ્યાં ગળું-મોઢું-આંતરડા `છોલી’ નાખતા ૫૫૦૦ કિલો ચના જોર સહિતનું ફરસાણ મળી આવ્યું છે.
આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વકાણી સહિતના સ્ટાફે આજીડેમ ચોકડી પાસે દિનદયાળ ઈન્ડસ્ટ્રીયલ એરિયા, શેરી નં.૬માં કલ્પેશ બડોખરીયા-જીતેન્દ્ર ગુપ્તાની પેઢી કલ્પેશ ટે્રડર્સ-જે.કે.સેલ્સમાં દરોડો પાડીને તપાસ કરતા અહીંથી દાબેલા ચણા, મગ, કઠોળ સહિતનું નમકીન તૈયાર થતું હોવાનું ધ્યાન પર આવ્યું હતું. અહીં પલાળેલા ચણા ફૂગવાળા તેમજ અત્યંત ગંદકીયુક્ત જમીન પર રાખવામાં આવેલા હોવાનું ધ્યાન પર આવ્યું હતું સાથે સાથે ચના જોર તૈયાર કરતી વખતે તે મશીન સાથે ચોંટી ન જાય તે માટે તેમાં શંખજીરુનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું ખુદ પેઢીમાલિકોએ સ્વીકાર્યું હતું. અહીંથી ૨૫,૦૦ કિલો પલાળેલા ચણાનાો જથ્થો પકડાતાં તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ પછી આ જ વિસ્તારમાં અજય છેદીલાલ ગુપ્તાની ઉત્પાદક પેઢી આશા ફૂડમાં દરોડો પાડીને ચેકિંગ કરાતાં ત્યાંથી પલાળેલા ચણા, દાબેલા મગ, પંજાબી સ્ટિક એકદમ ગંદી જગ્યામાં રાખવામાં આવ્યા હતા. આ પેઢીના માલિકે પણ ફરસાણ તૈયાર કરવા માટે શંખજીરુનો ઉપયોગ કર્યો હોવાની કબૂલાત આપી હતી. ફૂડ શાખાએ અહીંથી ૩૦૦૦ કિલો અખાદ્ય ફરસાણનો જથ્થો પકડી પાડી તેનો નાશ કર્યો હતો.
બે મહિનાથી આખા શહેરમાં થઈ રહી’તી સપ્લાય
ફૂડ શાખાએ કરેલી તપાસમાં એવો ખુલાસો થયો છે કે બે મહિનાથી ગંદકીયુક્ત જગ્યામાં ચના જોર સહિતનું ફરસાણ તૈયાર કરીને તેને આખા શહેરમાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું. જો કે ફરસાણ કયા કયા વિસ્તારમાં સપ્લાય કરાતું હતું તેની ચોક્કસ માહિતી હજુ જાણવા મળી રહી નથી. બીજી બાજુ પેઢીનું કોઈ પ્રકારનું રજિસ્ટે્રશન પણ કરાવવામાં આવ્યું હોવાનું ધ્યાન પર આવ્યું નથી.
મનપાની મજબૂરી, વાનગીનો નાશ-નોટિસ સિવાય બીજું કશું જ ન કરી શકે !
જ્યારે જ્યારે રાજકોટમાંથી કોઈ વાસી-અખાદ્ય વાનગીનો જથ્થો પકડાય એટલે તેનો નાશ કરવા અને નોટિસ આપ્યા સિવાય બીજી કશી જ કાર્યવાહી મહાપાલિકા દ્વારા કરી શકાતી નથી કદાચ એટલા માટે જ ભેળસેળિયા તત્ત્વોને મોકળું મેદાન મળી રહ્યું છે. સરકાર દ્વારા આ દિશામાં ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવે તો જ આ દૂષણ અટકી શકે તેમ છે.